Western Times News

Gujarati News

૩ વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નોબલનગરમાં રહેણાંક સોસાયટીમાં મંગળવારે (૨૮ ઓક્ટોબર) બપોરે ત્રણ વર્ષની બાળકી પર કાર ચઢાવી દીધી હોવાની ઘટના સામે આવી હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોવા મળે છે કે, બાળકી પર કાર ચઢી જાય છે. જોકે, આ ઘટનામાં બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. કાર ચાલક સગીર હોવાનું જણાય છે, ત્યારે પોલીસે સગીર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના નોબલનગરમાં શિવ બંગલોના કોમન પ્લોટમાં ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે અચાનક કારચાલકે રમી રહેલી બાળકી ઉપર કાર ચઢાવી દે છે. સમગ્ર ઘટનાની જાણ થતાં બાળકીના માતા-પિતા અને આસપાસના લોકો દોડી આવે છે અને કારચાલક સગીરને મેથીપાક આપ્યો હતો.

બનાવને લઈને જી ડિવિઝન ટ્રાફિક-પોલીસે કારચાલક સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાર માલિક સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. બનાવ અંગે બાળકીના પિતાએ કહ્યું કે, ‘મારી પત્નીએ કહ્યું કે પુત્રીને સોસાયટીમાં એક કારે ટક્કર મારી છે અને તેને શારદા હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ.

હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મેં મારી પુત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ હતી. તેના બંને પગ, ડાબા હાથ અને કમરમાં ઈજાઓ હતી. આ અંગે જી ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ વી.ડી. વાઘેલાએ કહ્યું હતું કે, કાર ચાલક કિશોર કામદારનગરથી તેના મિત્રને મળવા શિવ બંગલો આવ્યો હતો.

કિશોરે ૩ વર્ષની બાળકી પર ગાડી ચડાવી હતી. પ્રાથમિક તપાસમાં ગાડી માલિકનું નામ મલેક ફરઝાના બાનુ હોવાનું જાણવા મળ્યું છે. યોગ્ય તપાસ બાદ ગાડી માલિક સામે તેમજ કિશોરના વાલી સામે પણ કાર્યવાહી કરાશે.

બાળકીના વાલીએ કહ્યું હતું કે, માતા પિતાએ તેમના બાળકોને વાહન આપતાં પહેલા વિચાર કરવો જઈએ. સગીરોને વાહન આપવું ના જોઈએ. પોલીસે પણ આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.