ગોધરા તાલુકાના સાંપા ગામે “વિકાસ”ની પોલ ખુલી!
અધૂરા માર્ગ પર પૂર્ણતા બોર્ડ લગાવવાની કોન્ટ્રાક્ટરની કરામત સામે આવી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) વિકાસના દાવાઓ વચ્ચે ગોધરા તાલુકાના સાંપા ગામે વાસ્તવિકતાની અલગ જ તસવીર સામે આવી છે. કુંડલા ફળીયાથી સાંપા ગામને જોડતો મુખ્ય માર્ગ હજુ અધૂરો છે, છતાં પણ તેની સામે પૂર્ણતાનો બોર્ડ લગાવવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ માર્ગનું કામ આશરે એક વર્ષ પહેલાં શરૂ થયું હતું.
૨.૨૫ કિમી લાંબા માર્ગમાં માત્ર એકાદ કિલોમીટર જેટલું ડામર રોડ બનાવ્યા પછી કામ અટકી ગયું. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગ પૂર્ણ થયો હોવાનું દર્શાવતા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જેના પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ગ્રામજનોના આક્ષેપ મુજબ, રસ્તો અધૂરો હોવાથી ગામના લોકોને વરસાદી દિવસોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કાદવ અને ખાડાઓથી ભરેલા રસ્તે વાહનવ્યવહાર તો દૂર, પગપાળા આવાગમન પણ મુશ્કેલ બની જાય છે. ગામના યુવાનો અને વૃદ્ધો બંનેએ મળીને આ બાબતનો વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું કે “વિકાસના બોર્ડ લગાડવાથી કામ પૂરું થતું નથી,
અમને વાસ્તવિક રસ્તો જોઈએ.”આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે અને તાત્કાલિક તપાસ કરીને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.આ બનાવે એક મહત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે કે “આવો વિકાસ આખરે કોના માટે?”
અધૂરા કામ પર પૂર્ણતાનો બોર્ડ લગાવવો માત્ર લોકોની આંખમાં ધૂળ ઝોંકવાની કોશિશ નથી, પરંતુ ગામના વિકાસના નામે સરકારી નાણાનો દુરુપયોગ હોવાનું પણ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
તો બીજી તરફ સ્થાનિક સરપંચે પણ સ્વીકાર્યું છે કે રસ્તો અધૂરો છે અને વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે,। “રસ્તાનું કામ કોન્ટ્રાક્ટર અને ગ્રામજનો ના વિવાદને લઈને મોડું થયું છે, પરંતુ હવે બાકીનો ભાગ પૂર્ણ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.”
