50 વર્ષથી જરૂરતમંદોની વ્હારે સદવિચાર પરિવાર
સેવા કાર્યોની અડધી સદીઃ આગામી દિવસોમાં સ્કિલ સેન્ટર, વાંચનાલય અને સદાવ્રત ચલાવી સેવા કરવાનું આયોજન
(એજન્સી)અમદાવાદ, ‘જનસેવા’ એ જ પ્રભુસેવા’ ઉકિતને મણીનગરના વડીલો સાર્થક કરી રહયા છે. નિવૃત્તિ બાદ નિષ્ક્રીય અને નીરસ બની જીવન પસાર કરવાના બદલે સદવીચાર પરીવારના સિનીયર સીટીઝન ગરીબ દુખીયારા, દર્દીઓ અને નિરાધાર લોકોની સેવામાં સમય વ્યતિત કરી પ્રભુની સેવા કર્યાનો આનંદ અનુભવી રહયા છે.
પ૦ વર્ષથી ચાલતા આ ગ્રુપે સેવા કાર્યોની અડધી સદી પુરી કરી છે. તેઓ રોજ સવાર-સાંજ એલ.જી. હોસ્પિટલમાં જઈ દર્દીઓ અને તેમનાસગાંને ભોજન કરાવી દવાનું વિતરણ કરે છે. જે સમાજમાં રહીને ઘડાયા એ સમાજને કઈક પાછું આપવાની લાગણી સાથે મણીનગરના સદવીચાર પરીવારે પ૦ વર્ષથી જરૂરીયાતમંદોની વ્હારે ઉભા રહેવાનું બીડું ઝડપ્યું છે.
વડીલોના આ ગ્રુપ દ્વારા રોજ સવાર-સાંજ એલ.જી. હોસ્પિટલમાં જઈ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને ખીચડીનું ભોજન કરાવાય છે. તેમજ બહારગામથી આવતા દદીઓને ટીફીન સેવા પુરી પડાય છે.
ઉપરાંત વિનામુલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવે છે. માત્ર દર્દીઓ જ નહી વિધવા અને નિરાધાર બહેનોને દર મહીને અનાજની કીટનું વિતરણ અને એકલા રહેતા અસહાય વૃદ્ધોને તેમના ઘરે જઈને ટીફીન અને તબીબી સાધનો આપવામાં આવે છે.
તેમજ સ્વેટર પગરખાં, નોટબુક અને સ્ટેશનરી સહીતની કીટનું વિતરણ કરવા દર વર્ષે ગ્રુપના વડીલો ખાસ આદીવાસી વિસ્તારોની શાળાઓમાં જાય છે. આ સાથે જ રસ્તા પર રહેતા લોકોને ધાબળા આપી શીયાળામાં હુંફ પુરી પાડે છે.
આ અંગે સંસ્થાના હર્ષદભાઈ શાહ કહે છે. કે, સારા કાર્યો કરવા માટે કુદરતી રીતે મદદ મળી જાય છે. સોશીયલ મીડીયાના આ જમાનામાં કેટલાક દાતાઓ જમણા હાથે આપે છે. તો ડાબા હાથને ખબર ન પડે એમ સેવા કાર્યો માટે ગુપ્ત દાન કરી જાય છે. આગામી દીવસોમાં મહીલાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, વાંચનાલય અને સદાવ્રત ચલાવવા સહીતના સેવા કાર્યો કરવાની તૈયારી ચાલી રહી છે.’
