ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ જતાં સાંસદે મુખ્યમંત્રી પાસે તાત્કાલિક રાહત પેકેજની માગ કરી
પ્રતિકાત્મક
સંસદીય મતવિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા ભારપૂર્વક ભલામણ કરી છે
જામનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી જીતુ વાઘાણીને એક તાકીદની લેખિત રજૂઆત કરીને, પોતાના સંસદીય મતવિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા ભારપૂર્વક ભલામણ કરી છે.
ગાંધીનગર ખાતે સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ માં મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના કાર્યાલયને પાઠવેલા પત્રમાં પૂનમબેન માડમે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં તાજેતરમાં પડેલા ભારે કમોસમી વરસાદે તેમના ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં આવતા જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના આમરણ (ચોવીસી) વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે.
ખાસ કરીને સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ દરમિયાન ગત નવરાત્રી સમયે અને તાજેતરમાં તારીખ ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ફરીથી ત્રાટકેલા આ માવઠાંના કારણે ખેડૂતોનો તૈયાર થયેલો ખરીફ પાક સંપૂર્ણપણે પલળી જઈ નિષ્ફળ ગયેલ છે તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે.
રાજ્યનો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા આ વિસ્તારમાં ખેડૂતોનો મુખ્ય પાક મગફળી અને કપાસ છે, જે આ કમોસમી વરસાદના કારણે લગભગ નાશ પામ્યો છે, તદુપરાંત અન્ય પાકોને પણ ભારે અસર થઈ છે.
પાક નિષ્ફળ જવા ઉપરાંત, પશુધન માટે સંગ્રહ કરેલો સૂકો ઘાસચારો પણ પલળીને નાશ પામ્યો છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે અને તેમનું સમગ્ર આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, પૂનમબેન માડમે તાત્કાલિક અસરથી ખેડૂતોના પાકને થયેલ નુકસાની અંગેનો સર્વે કરાવી,અસરગ્રસ્ત ખેડૂતોને આ આર્થિક સંકટમાંથી ઉગારવા માટે ખાસ આર્થિક રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવા વિનંતી સહ ભલામણ કરી છે.
