વિમેન્સ વન-ડે ક્રમાંકમાં સ્મૃતિ મંધાના મોખરાના ક્રમે યથાવત
રેટિંગ પોઇન્ટમાં બીજા ક્રમની ઓસી. ખેલાડી કરતાં ઘણી આગળ
સાઉથ આફ્રિકાની સુકાની લૌરા વોલવાર્ટ પણ ૯૦ અને ૩૧ રનની ઇનિંગ્સ રમીને ટોપ-૩માં પહોંચી ગઇ છે
દુબઈ, વિમેન્સ ક્રિકેટમાં ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ૧૦૯ રન ફટકારીને આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ ક્રમાંકમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી દીધું હતું અને મોખરાનો ક્રમાંક જાળવી રાખ્યો હતો.તેણે કારકિર્દીનું બેસ્ટ રેટિંગ પણ હાંસલ કર્યું છે. મંધાનાને સપ્ટેમ્બર મહિના માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ પણ મળ્યો હતો. તે ૮૨૮ રેટિંગ સુધી પહોંચી ગઇ છે અને બીજા ક્રમે રહેલી ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર કરતાં તેના ૧૦૦ પોઇન્ટની સરસાઈ ધરાવે છે.
ગાર્ડનર ૭૩૧ રેટિંગ સાથે બીજા ક્રમે છે. ઇંગ્લેન્ડ સામે અણનમ સદી ફટકારવાને કારણે તેને છ ક્રમાંકનો ફાયદો થયો છે. ભારતની ઇજાગ્રસ્ત ઓપનર પ્રતિકા રાવલને પણ ફાયદો થયો છે અને તે ટોપ-૩૦માં પ્રવેશ કરવાની સાથે ૨૭મા ક્રમે પહોંચી ગઇ છે.સાઉથ આળિકાની સુકાની લૌરા વોલવાર્ટ પણ ૯૦ અને ૩૧ રનની ઇનિંગ્સ રમીને ટોપ-૩માં પહોંચી ગઇ છે. ઇંગ્લેન્ડની એમી જોન્સ ચાર ક્રમાંકની આગેકૂચ સાથે નવમા ક્રમે તથા એનાબેલ સધરલેન્ડ ૧૬ ક્રમાંકની છલાંગ સાથે ૧૬મા ક્રમે પહોંચી છે.
વન-ડે બોલર્સમાં ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન ૭૪૭ રેટિંગ સાથે ટોચના ક્રમે છે. ઓસ્ટ્રેલિયાની એલાના કિંગ કારકિર્દીના બેસ્ટ રેન્કિંગ સાથે બીજા ક્રમે પહોંચી છે. એશ્લે ગાર્ડનર એક ક્રમાંક પાછળ સરકીને ત્રીજા ક્રમે પહોંચી છે. પેસ બોલર મારિઝાના કેપ તથા એનાબેલ સધરલેન્ડ એક-એક ક્રમાંકની આગેકૂચ સાથે અનુક્રમે ચોથા અને સાતમા ક્રમે આવી ગઇ છે. ઓલરાઉન્ડર્સમાં ગાર્ડનરે પ્રથમ સ્થાન વધારે મજબૂત કર્યું છે. બીજા ક્રમે મારિઝાના કેપ છે જેણે ૪૨૨ રેટિંગ સાથે વેસ્ટ ઇન્ડીઝની હેલી મેથ્યૂઝને પાછળ રાખી દીધી છે.
