લો બોલો !! કર્મચારીએ બ્રેકઅપ થયું હોવાનું કારણ દર્શાવી રજા માગી
કર્મચારીનો ઈ-મેઈલ વાઈરલ
ગુરુગ્રામ સ્થિતિ કંપનીના કો-ફાઉન્ડરે કર્મચારીની અરજીને અત્યાર સુધીની સૌથી વધુ પ્રામાણિક રજા અરજી ગણાવી બ્રેકઅપ થયું છે, એક મહિનાની રજા જોઈએ છે
ગુરુગ્રામ, ઓફિસમાંથી રજા લેવા માગતા કર્મચારીઓ દર વખતે અવનવા કારણો શોધતા રહે છે. એક કર્મચારીએ રજા લેવા માટે લખેલો ઈ-મેઈલ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે બ્રેકઅપ થયું હોવાનું કારણ દર્શાવી રજા માગી હતી. કર્મચારીના આ ઈ-મેઈલને કંપનીના કો-ફાઉન્ડરે જ સોશિયલ મીડિયા પર શેર કર્યાે હતો અને તેને અત્યાર સુધીની વધુ પ્રામાણિક રજા અરજી ગણાવી હતી.
ગુડગાંવ સ્થિત નોટ ડેડિંગ કંપનીના સીઈઓ અને કો-ફાઉન્ડર જસવીર સિંહે એક્સ પોસ્ટમાં સૌથી વધુ પ્રામાણિક રજા અરજી શેર કરી છે. જેમાં તેમણે એક કર્મચારીની લીવ એપ્લિકેશનનો સ્ક્રિન શોટ શેર કર્યાે છે. આ લીવ એપ્લિકેશનમાં કર્મચારીએ લખ્યું હતું કે, હેલો સર તાજેતરમાં મારું બ્રેકઅપ થયું છે. જેના કારણે હું ફોકસ કરી શકતો નથી અને મારે થોડા દિવસની રજા જોઈએ છે. હું વર્ક ફ્રોમ હોમ કરી રહ્યો છું અને ૨૮થી ૮ તારીખ સુધી રજા જોઈએ છે.
કર્મચારીની આ રજા અરજીને કંપનીના સીઈઓ જસવીર સિંહે અત્યાર સુધીની સૌથી વધુ ઈમાનદાર લીવ એપ્લિકેશન ગણાવી છે. તેમણે આ અરજી શેર કરતી વખતે યુવા કર્મચારીઓને પોતાની લાગણી અંગે ખુલીને વાત કરવા સલાહ આપી હતી. તેમણે આવી સાચું કારણ દર્શાવતી રજા અરજી લખનારા કર્મચારીનું નામ કે અન્ય વિગતો જણાવી ન હતી.
જો કે આ પોસ્ટ વાંચ્યા પછી સોશિયલ મીડિયા પર નવો વિષય શરૂ થઈ ગયો હતો. કેટલાંક યુઝર્સે કર્મચારીની ઈમાનદારીની પ્રશંસા કરી હતી. જ્યારે કેટલાંકે લગ્ન માટે પણ આટલી બધી રજા ન મળતી હોવાની કોમેન્ટ કરી હતી. આ ચર્ચામાં કંપનીના સીઈઓએ પણ ઝંપલાવ્યું હતું અને બ્રેકઅપમાં લગ્નની સરખામણીએ વધુ રજાની જરૂર પડતી હોવાનું જણાવી પોતાના કર્મચારીનો પક્ષ લીધો હતો.
