એક સમયે PM પદના દાવેદાર નીતિશ હવે CM બનશે કે નહીં, તે પણ નક્કી નથી: ગેહલોત
ભાજપ નીતિશને CM પદના ઉમેદવાર જાહેર કરવા તૈયાર નથી; કોંગ્રેસના બિહાર વિધાનસભા ચૂંટણી પ્રભારી
પટના, બિહાર વિધાનસભા ચૂંટણી માટે એક પછી એક જનસભાઓ યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના બિહાર વિધાનસભા ચૂંટણી પ્રભારી અને વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરો કટાક્ષ કર્યો છે.
ગેહલોતે આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘એક સમય હતો જ્યારે નીતિશ કુમાર વડાપ્રધાન પદના દાવેદાર હતા, અને હવે ભાજપ તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા પણ તૈયાર નથી. આજે નીતિશ એવી પરિસ્થિતિમાં ફસાયા છે કે, જો સરકાર બનશે તો પણ તેઓ મુખ્યમંત્રી બનશે કે નહીં, તે પણ નક્કી નથી.
નીતિશે વારંવાર વિવિધ પક્ષો સાથે ગઠબંધન કરીને પોતાની રાજકીય છબીને નુકસાન પહોંચાડ્યું છે.’ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગેહલોતે દાવો કર્યો છે કે, ‘બિહારમાં મહાગઠબંધન જ જીતશે.
રાજ્યમાં પરિવર્તન માત્ર મહાગઠબંધન માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે જરૂરી છે. આ માત્ર બિહારની ચૂંટણી નથી, પરંતુ સમગ્ર દેશને એક મજબૂત સંદેશ આપનારી ચૂંટણી છે. મહાગઠબંધન એકજૂટ છે અને રાહુલ ગાંધીની યાત્રા પછી બિહારનું રાજકીય વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું છે.’
બિહારમાં કુલ ૨૪૩ વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી ૬ નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી ૧૧ નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ ૧૪ નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ ૭.૪૩ કરોડ મતદારો છે, જેમાં આશરે ૩.૯૨ કરોડ પુરૂષ, ૩.૫૦ કરોડ મહિલા અને ૧૭૨૫ ટ્રાન્સજેન્ડર સામેલ છે.
૭.૨ લાખ દિવ્યાંગ અને ૪.૦૪ લાખ ૮૫ વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત ૧૪ હજાર મતદાર ૧૦૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે ૧૪.૦૧ લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીના છે. અગાઉ ૨૦૨૦માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી.
૨૮ આૅક્ટોબર, ૨૦૨૦ના રોજ પ્રથમ તબક્કો, ૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ બીજો અને ૭ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી ૧૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.
