તાલિબાનોનો નાશ કરી ગુફાઓમાં ધકેલી દઈશું : પાક.ના મંત્રીની ધમકી
ચાર દિવસની વાટાઘાટોમાં નક્કર પરિણામ નહીં મળતાં પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ધમકી આપી
તાલિબાનની આખી સરકારને પાડવા અને નેસ્તનાબૂદ કરવા માટે પાકિસ્તાનને પોતાની સમગ્ર શક્તિના થોડા ભાગનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી
ઈસ્લામાબાદ,આતંકવાદની ફેક્ટરી તરીકે કુખ્યાત બનેલા પાકિસ્તાનને છેલ્લાં ઘણાં સમયથી ઘર આંગણાનો આતંકવાદ સતાવી રહ્યો છે. અફઘાનિસ્તાન સાથેની વાટાઘાટો પડી ભાંગ્યા પછી પાકિસ્તાનની ચિંતા વધી છે. જેના પગલે પાકિસ્તાનમાં આતંકવાદી હરકતોમાં અફઘાનિસ્તાનના તાલિબાનોનો હાથ હોવાનો દાવો ફરી એક વખત સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કર્યાે છે. ભવિષ્યમાં પાકિસ્તાનમાં કોઈ આતંકવાદી હરકત થાય તો તાલિબાનોને નેસ્તનાબૂદ કરીને ફરી ગુફામાં ધકેલી દેવાની ધમકી પણ આસિફે આપી છે.
ઈસ્તંબૂલમાં પાકિસ્તાન અને તાલિબાનો વચ્ચે ચાર દિવસ શાંતિ મંત્રણા થઈ હતી. પાકિસ્તાને મુખ્યત્વે અફઘાનિસ્તાનની જમીન પરથી પાકિસ્તાનમાં આતંક ફેલાવી રહેલા લડવૈયાઓ સામે પગલાં લેવાની માગણી મૂકી હતી. ચાર દિવસની સઘન વાટાઘાટોમાં નક્કર પરિણામ નહીં મળતાં પાકિસ્તાને જૂની આદત મુજબ ધમકીઓ આપી પોતાના ગભરાટને છુપાવ્યો હતો. ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતું કે, ભાઈ સમાન રાષ્ટ્રોની વિનંતીના પગલે શાંતિ મંત્રણામાં પાકિસ્તાને ભાગ લીધો હતો.
કેટલાક અફઘાન સત્તાધિશોએ પાકિસ્તાન સામે ઝેર ઓકતાં નિવેદનો આપ્યા છે, જેના કારણે તાલિબાની સરકારનું વિઘટનકારી અને વિનાશક મિજાજનો ફરી એક વાર પરચો આપ્યો છે. તાલિબાનની આખી સરકારને પાડવા અને નેસ્તનાબૂદ કરવા માટે પાકિસ્તાનને પોતાની સમગ્ર શક્તિના થોડા ભાગનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી. તાલિબાનોને નાબૂદ કરી ગુફામાં સંતાઈ જવાની ફરજ પાડવા પાકિસ્તાન સક્ષમ છે. ટોરા બોરામાંથી જે રીતે તાલિબાનો ઊભી પૂંછડીએ ભાગ્યા હતા, તેવું જ દૃશ્ય ફરી જોવું હોય તો પાકિસ્તાન તૈયાર છે.
