ભોપાલમાં બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ
ભોપાલમાં પ્રતિબંધિત ટ્રિપલ તલાકનો ઉપયોગ પતિને ભારે પડયો
માતા-પિતા વગરની પત્ની સંબંધીઓના ઘરે રહે છે, જે બંદુક દેખાડી ભય ફેલાવ્યો તેને પોલીસે જપ્ત કરી
ભોપાલ ,દેશમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ હોવા છતા આ પ્રથાને લઇને અનેક મામલા સામે આવી રહ્યા છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં હવે બંદુકની અણીયે ટ્રિપલ તલાક આપ્યાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. પતિ બંદુક લઇને પત્ની પાસે ગયો હતો અને ત્રણ વખત તલાક બોલીને તલાક આપી દીધા હતા. જોકે પત્નીએ બાદમાં પોલીસનો સહારો લીધો હતો તેથી તાત્કાલીક પતિની ધરપકડ કરી લેવાઇ છે.મધ્ય પ્રદેશના ભોપાલના અશોક કોલોનીમાં સગા સંબંધીઓને ત્યાં આ મુસ્લિમ મહિલા રહેતી હતી, પતિ દાનિશ ફર્નીચરની દુકાન ચલાવે છે.
અચાનક તે લાઇસેંસવાલી બંદુક લઇને પત્ની જ્યાં રહેતી હતી ત્યાં પહોંચ્યો હતો, પતિને બંદુક સાથે આવતો જોઇને પત્ની ડરી ગઇ હતી અને ઘરમાં છુપાઇ ગઇ હતી. બાદમાં આરોપી પતિએ ગેટની બહાર ઉભા રહીને જોર જોરથી ચીસો પાડીને તલાક તલાક તલાક બોલીને તલાક આપવા પ્રયાસ કર્યાે હતો. બાદમાં તે ત્યાંથી જતો રહ્યો હતો.
પીડિતાએ બાદમાં સ્થાનિક પોલીસની મદદ લીધી હતી અને કહ્યું હતું કે ધમકી આપીને આ સંબંધ ખતમ કર્યાે, મહિલાની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસ અધિકારી યૂપીએસ ચૌહાણે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલીક કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી લીધી હતી. ચૌહાણે વધુમાં કહ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
પતિનો વ્યવહાર સારો નહોતો રહ્યો. મહિલાને માતા પિતા નથી, તે છેલ્લા કેટલાક સમયથી પોતાના સગાઓને ત્યાં રહે છે. પોલીસે હાલ આરોપી પતિની ધરપકડ કરી છે સાથે જ તેની પાસે રહેલી બંદુક પણ જપ્ત કરી લીધી છે. દેશભરમાં ટ્રિપલ તલાક પ્રથા પર પ્રતિબંધ છે અને તેથી ટ્રિપલ તલાક દ્વારા કદાચ કોઇ પતિ છૂટાછેડા આપે તો પણ કાયદાકીય રીતે તે માન્ય નથી ગણાતા.
