સૂર્યાએ ફોર્મ પરત મેળવ્યું પણ વરસાદે મેચ ધોઈ નાખી
ઓસી. સામેની પ્રથમ ટી૨૦ વરસાદને કારણે રદ
બંને અમ્પાયર્સે એક સમયે તો મેચમાં ઓવર ઘટાડીને રમત આગળ ધપે તેવા પ્રયાસ કર્યા હતા
કેનબેરા,કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફોર્મ પરત હાંસલ કર્યાના સંકેત આપતી બેટિંગ કરી હતી અને તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રખાતી હતી ત્યાં જ વરસાદનું આગમન થઈ જતાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં રમાયેલી પ્રથમ ટી૨૦ ક્રિકેટ મેચ રદ કરવાની ફરજ પડી હતી. અહીં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ તેની ૯.૪ ઓવરની ટૂંકી ઇનિંગ્સમાં પણ વારંવાર વરસાદનું વિÎન આવ્યું હતું. અંતે દસમી ઓવર દરમિયાન મેચ અટકી અને ફરીથી શરૂ થઈ શકી નહીં.
ભારતે ૯.૪ ઓવરમાં એક વિકેટે ૯૭ રન ફટકાર્યા હતા. બંને અમ્પાયર્સે એક સમયે તો મેચમાં ઓવર ઘટાડીને રમત આગળ ધપે તેવા પ્રયાસ કર્યા હતા. છેલ્લે પાંચ પાંચ ઓવરની મેચ થઈ જાય તેવા સંજોગોમાં ઓસ્ટ્રેલિયાનો ટારગેટ ૭૧ રન કરી દેવાયો હતો પરંતુ આમ પણ શક્ય બન્યું ન હતું.આમ છતાં જે ૯.૪ ઓવરની રમત શક્ય બની હતી તેમાં ભારતના કેપ્ટન અને છેલ્લા કેટલાક સમયથી લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહેલા સૂર્યકુમાર યાદવે ફોર્મ પરત મેળવી લીધું હોવાના સંકેત આપ્યા હતા.
સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે આક્રમક બેટિંગ કરી હતી. ચોથી ઓવરમાં અભિષેક શર્મા ૧૪ બોલમાં ચાર ચોગ્ગા સાથે ૧૯ રન ફટકારીને આઉટ થયો ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ અને ગિલે મળીને બીજી વિકેટ માટે ૩૫ બોલમાં ૬૨ રન ઉમેરી દીધા હતા. કેપ્ટન યાદવ આ સમયે ૨૪ બોલમાં ૩૯ રન ફટકારીને અણનમ રહ્યો હતો. તેણે ત્રણ ચોગ્ગા ઉપરાંત બે સિક્સર ફટકારી હતી. વરસાદને કારણે રમત અટકી તે અગાઉની અધૂરી રહેલી ઓવરમાં સૂર્યાએ નાથાન એલિસને ઉપરા ઉપરી બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી પરંતુ કમનસીબે ત્યાર પછીની રમત શક્ય બની ન હતી.
