શાહબાનો કેસ આધારિત‘હક’ મુસ્લિમોને બદનામ કરતી નથી : ઇમરાન
અભિનેતા ઇમરાન હાશ્મીએ કહ્યું, ફિલ્મમાં મુસ્લિમ સમાજની સંવેદનશીલતાની વાત કરવામાં આવી છે
મુંબઈ,ઇમરાન હાશ્મી અને યામી ગૌતમની ફિલ્મ ‘હક’ આવી રહી છે, જેમાં ઇમરાન એક નવા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં કાયાદાકીય લડત જાણીતા શાહબાનો કેસ પર આધારીત છે, જેણે મુસ્લિમ મહિલાઓ માટે સન્માન સાથે છૂટેછાડાના અધિકારની ક્રાંતિ લાવવાનું કામ કર્યું હતું. આ ફિલ્મમાં યામી ગૌતમ શાહ બાનોના રોલમા જોવા મળશે.
આ ફિલ્મનું ટ્રેલર લોંચ થયા પછી ઘણા લોકોએ તેના વખાણ કર્યા તો ઘણા લોકોએ તેની ટીકા પણ કરી છે, જેમને લાગે છે કે આ ફિલ્મનું લક્ષ્ય મુસ્લિમોને બદનામ કરવાનું છે.એક ઇન્ટરવ્યુમાં ઇમરાન હાશ્મીએ કહ્યું કે આ ફિલ્મ મુસ્લિમ સમાજ સામે આંગળી ચીંધતી નથી. એએનઆઈના ઇન્ટરવ્યુમાં ઇમરાન હાશ્મીએ જણાવ્યું, “મેં આ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચી હતી, મેં એક સર્જનાત્મક અભિનેતાની દૃષ્ટિએ આ ફિલ્મને જોઈ હતી, પરંતુ મારી કારકિર્દીમાં પહેલી વખત, મને દેખાયું હતું કે સમાજ પ્રત્યે સંવેદનશીલતા છે, મારા સમાજ પ્રત્યે.
મારે થોડું જાણકાર બનવું પડશે અને મારે તેનું અલગ રીતે વિશ્લેષણ કરવું પડશે. હું એવા તારણ પર આવ્યો હતો કે આ ફિલ્મમાં ઘણો સંતુલિત દૃષ્ટિકોણ લેવાયો છે. તો અમે એવું કંઈ જ નથી બતાવતા કે અમે કોઈ સમાજ પર આંગળી ચીંધીએ છીએ અને કોઈના પર કોઈ નિવેદન કરતા નથી.”ઇમરાને એવું પણ કહ્યું કે આ ફિલ્મ કોઈ સમાજને બદનામ કરતી નથી.
“મને ખબર નથી લોકો શું કહેશે, પરંતુ એક ખુલ્લા વિચારોવાળા મુસ્લિમ તરીકે, હું એટલું કહી શકું કે મને આ ફિલ્મના દૃષ્ટિકોણ સાથે કોઈ તકલીફ નહોતી. કારણ કે અમે કોઈ સમાજને બદનામ કરતા નથી, જો એવું કરતા હોત તો મેં આ ફિલ્મ કરી ન હોત.અને હું કયા પ્રકારનો મુસ્લિમ છે, એ અંગે એક દૃષ્ટિકોણ આપવો હોય તો, મેં પરવીણ સાથે લગ્ન કર્યા, એ એક હિન્દુ છે. મારા પરિવારમાં મારા દિકરા પૂજા પણ કરે છે અને નમાઝ પણ પઢે છે. આ મારો બિનસાંપ્રદાયિક ઉછેર છે. તેથી મારા મતે હું આ ફિલ્મને જોઉં છું. દરેક ફિલ્મને પોતાના વિચારો, શરતો, ધાર્મિક વિચારધારા, ઉછેર, પર્યાવરણ અને દૃષ્ટિકોણ મુજબ જુએ છે.”
