મૃત દર્દીનું હૃદય ૧પ મિનિટ પછી ફરી ધબકવા લાગ્યું: આશ્ચર્યજનક ઘટના
મારી ૩૦ વર્ષની કારકીર્દીમાં આ પહેલી વાર બન્યું છે ઃ ચીફ મેડિકલ ઓફિસર
સુરત, સુરતમાં તબીબી જગત માટે એક ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાએ ડૉક્ટરોને પણ આશ્ચર્યચક્તિ કરી દીધા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું હૃદય સંપૂર્ણપણે ધબકતું બંધ થઈ ગયું હતું. તમામ પ્રયાસો પછી ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
કાર્ડિયાક મોનિટર સીધી લાઈન દેખાતી હતી પરંતુ લગભગ ૧પ મિનિટ પછી તેમનું હૃદય ફરીથી ધબકવા લાગ્યું હતું. આ ઘટના હવે સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બની છે.
અંકલેશ્વરના રહેવાસી ૪પ વર્ષીય રાજેશ પટેલને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને ગંભીર હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું જણાવ્યું હતું. સારવાર દરમિયાન તેમનું હૃદય અચાનક બંધ થઈ ગયું હતું. ઈસીજી મોનિટર પર સીધી રેખા દેખાઈ હતી. તબીબોની ટીમે સીઆરપી અને દવાઓ દ્વારા તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો ત્યારબાદ મેડિકલ ટીમે રાજેશ પટેલને ક્લિનિકલી મૃત જાહેર કર્યા હતા. જો કે, આશ્ચર્યજનક રીતે આ ઘોષણા બાદ લગભગ ૧પ મિનિટ પછી કંઈક અણધાર્યું બન્યું હતું. અચાનક ઈસીજી મોનિટર પર હૃદયના ધબકારા દેખાયા હતા અને દર્દીના શરીરમાં હલનચલન અનુભવાઈ હતી. હાજર ડૉક્ટરોએ તાત્કાલિક રાજેશને આઈસીયુમાં ખસેડયો હતો અને સારવાર શરૂ કરી હતી.
સુરત સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ) ડૉ.ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, મારી ૩૦ વર્ષની કારકીર્દીમાં આ પહેલીવાર બન્યું છે. આ રીતે ઈસીજી મોનિટર ઉપર સીધી લાઈન ધરાવતા દર્દીના હૃદયના ધબકારા પોતાની મેળે પાછા ફર્યા છે. તબીબી વિજ્ઞાનમાં આ એક અત્યંત ચોંકાવનારી ઘટના છે. તેમણે ઉમેર્યું હતું કે, દર્દીની સ્થિતિ ગંભીર છે અને તેને આઈસીયુમાં નજીકથી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.
