Western Times News

Gujarati News

ગાંધીનગરમાં સરદાર પટેલના પોસ્ટરો ફાડનારા સામે કડક કાર્યવાહી કરવા માંગ

ગાંધીનગર, ઉમિયા પરિવાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરમાં લગાવવામાં આવેલા પોસ્ટરો અને બેનરોને કોઈ તત્વોએ ફાડી નાંખ્યા હોવાની ઘટનાથી રોષ ફેલાયો છે. બનાવના વિરોધમાં ઉમિયા પરિવારના આગેવાનો અને તમામ સમાજના લોકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આ પ્રકારનું કૃત્ય આચરનારા તત્વો સામે પગલાં ભરવા માગણી કરી હતી.

વલ્લભભાઈ પટેલની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે ‘અખંડ ભારતના શિલ્પી’ અને ‘લોહ પુરુષ’ને શુભેચ્છા પાઠવવા માટે ઉમિયા પરિવાર તરફથી રાયસણ, કુડાસણ, કોબા, અને કે.રહેજા રોડ સહિતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા હતાં.

તે પૈકી પી.ડી.પી.યુ. ચાર રસ્તા, કે. રાહેજા ત્રણ રસ્તા, ભાઈજીપૂરાથી ગિફટ સિટી રોડ પરનું મેટ્રો સર્કલ, સાર્થક ફોરચ્યુન ચોકડી અને સી.ટી. પલ્સ સિનેમાની બાજુમાં લાગેલા પોસ્ટરો અને બેનરોને કોઈ વિધ્નસંતોષી તત્વોએ ફાડી નાંખ્યા હોવાનું જણાઈ આવતા ઉમિયા પરિવારે આ કૃત્યને સરદાર સાહેબનું ઘોર અપમાન ગણાવ્યું છે.

કલેકટર અને પોલી સસમક્ષ રજૂઆત કરવા પહોંચેલા ઉમિયા પરિવારના આગેવાન મયુર પટેલે જણાવ્યું હતું કે, અમારા સરદાર સાહેબનું ઘોર અપમાન કરી અમારી લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.

આયોજન પૂર્વક કરવામાં આવેલા આ હીન કૃત્યથી સામાજિક એકતાને ડોહળવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે તમામ સમાજના લોકોએ કલેકટર અને પોલીસ અધિકારીઓને વિનંતી કરી છે કે લોક લાગણીને ધ્યાનમાં રાખી આવુ કૃત્ય કરનારા તત્વો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમણે આ બનાવની યોગ્ય તપાસ કરીને આરોપીઓને પકડી પાડી પગલાં લેવાની માંગ કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.