ચાર ભારતીય કંપનીઓને રેર અર્થ મેગ્નેટ આયાત કરવા ચીનની મંજૂરી
 
        ભારતીય ઓટો ઉત્પાદકો અને ઈલે. મેન્યુફેક્ચરરને મોટી રાહત મળશે
માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રેર અર્થ ખનીજના પ્રશ્નનો ઉકેલ આવી ગયો : ડોનાલ્ડ ટ્રમ્પે
બેઈજિંગ,ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદને લઈને લાંબા સમય સુધી તણાવ રહ્યા બાદ હવે સંબંધોમાં સુધારો થયો છે. સંબંધોમાં સુધારાના ફળ સ્વરૂપે ચીને ભારતને રેર અર્થ મેગ્નેટ્સને લઈને ખુશખબર આપ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, કેટલીક ભારતીય કંપનીઓને ચીનમાંથી રેર અર્થ મેગ્નેટ્સની આયાત કરવા લાઈસન્સ મળ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર સંધી અમારા પરિપ્રેક્ષ્યમાં કેવી રીતે કામ કરશે તે હવે જોવું રહેશે. રેર એર્થ મેગ્નેટ્સ આયાત કરવાની મંજૂરી મળવાથી ભારતીય ઓટો ઉત્પાદકો અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સને મોટી રાહત મળશે. ભારતના કેટલાક સ્થાનિક ઉદ્યોગોમાં પણ રેર અર્થ મેગ્નેટ્સનો ઉપયોગ થાય છે.
છ મહિના અગાઉ અમેરિકા સાથે ટ્રેડ વોરને પગલે ચીને આકરું વલણ અપનાવતાં રેર અર્થ ખનીજો સહિતના કાચા માલના વેપાર ઉપર રોક લગાવી દીધી હતી.એક ઓટોમોટિવ કંપનીના સીનિયર એક્ઝિક્યુટિવના મતે ચીનના વાણિજ્ય મંત્રાલયે જે ઉશિન લિમિટેડ, ડી ડાયમંડ ઈલેક્ટ્રિક ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને જર્મન ઓટોમોટિવ કમ્પોનન્ટ મેકર કોન્ટિનેન્ટલ એજી તથા જાપાનની હિટાચી એસ્ટેમોના ભારતીય એકમોને રેર અર્થ મેગ્નેટ્સ એક્સપોર્ટની અરજીને મંજૂરી આપી છે.
આ અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રેર અર્થ ખનીજના પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે. આગામી સમયમાં ચીન વધુ ભારતીય કંપનીઓની અરજીને મંજૂરી આપે તેવી અપેક્ષા છે.SS1

 
                 
                 
                