જૂનાગઢમાં ધારાસભ્ય પાસેથી આશ્રમની મદદના બહાને ૩૦ લાખની ખંડણીની માગણી
પોલીસે બે યુવકોને ઝડપ્યા
આશ્રમના નામે વોટ્સએપ કોલ કરી ધમકી અપાઈ; મુખ્ય સૂત્રધાર આફ્રિકન દેશ કોંગોમાં હોવાનું બહાર આવ્યું
જૂનાગઢ,જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા પાસેથી આશ્રમની મદદના બહાને ૩૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ ઇન્ટરનેશનલ વોટ્સએપ કોલ દ્વારા ગાળો આપીને અમદાવાદના રોનક ઠાકોરના નામે આંગડિયું કરવા જણાવ્યું હતું. ધારાસભ્યએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.જૂનાગઢ એસ.પી. સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય સંજય કોરડીયાને ૨૬ ઓક્ટોબરના રોજ તેમના મોબાઈલ પર ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યા હતા.
આ કોલમાં તેમની પાસેથી ૩૦ લાખની ખંડણી મંગાઇ હતી અને રકમ ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારાસભ્યની ફરિયાદના આધારે જૂનાગઢ એલસીબીની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં ખંડણીની રકમ અમદાવાદના રોનક ઠાકોર નામના વ્યક્તિને આંગડિયા મારફતે આપવાનું કહેવાયું હતું. પોલીસે વાડજ વિસ્તારમાં રહેતા રોનક ઠાકોર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ ગુનામાં સંડોવાયેલા વેરાવળના ઇમરાન ઉર્ફે જ્હોન બલોચ નામના બીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ મુખ્ય સૂત્રધાર સમીર બલોચના સતત સંપર્કમાં હતા. તેમજ, જ્હોન બલોચ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.એલસીબીની ટેકનિકલ ટીમે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ખંડણીના ગુનાનો મુખ્ય સૂત્રધાર સલીમ બલોચ ગીર સોમનાથ જિલ્લાના ચિત્રાવડ ગામનો રહેવાસી છે અને હાલ આળિકન દેશ કોંગોમાં રહીને ત્યાંથી જ ધારાસભ્યને અલગ-અલગ ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ કરીને ધમકી આપી રહ્યો હતો. પોલીસે હાલ રોનક ઠાકોર અને જ્હોન બલોચની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી સલીમ બલોચને કોંગોમાંથી ભારત પરત લાવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SS1
