Western Times News

Gujarati News

પોરબંદર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

સરદાર વલ્લભભાઈ પટેલ મહાન વિભૂતિ હતા; તેમણે પૂજ્ય બાપુની આગેવાનીમાં સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું :– કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

પોરબંદર, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર પોરબંદર જિલ્લામાં તેમજ શહેર કક્ષાએ ‘રન ફોર યુનિટી’નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ,વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ મહાન વિભૂતિ હતા. તેમણે પૂજ્ય બાપુની આગેવાની હેઠળ સમગ્ર જીવન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યું હતું. દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે સરદાર સાહેબે દેશી રજવાડાઓને એકસાથે જોડવાનો ઐતિહાસિક કાર્ય કર્યું હતું.

સરદાર સાહેબે અનેક સંસ્થાઓની સ્થાપના કરી હતી અને તેમને મળેલી જવાબદારીઓ તેમણે સુપેરે નિભાવી હતી આજે જે ભારતનો જે નકશો છે તેના સાચા શિલ્પીકાર સરદાર સાહેબ છે. મંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ સરદાર સાહેબના વિચારોને આત્મસાત કરીને દેશના વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરે. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા દરેક વ્યક્તિએ પોતાના કૌશલ્ય વિકાસ કરીને રાષ્ટ્ર માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

‘રન ફોર યુનિટી’નું આયોજન ધી દુલિપ સ્કૂલ ઓફ ક્રિકેટથી શરૂ થઈ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, રામ ગેસ્ટ હાઉસ, ભાવેશ્વર મંદિર, સત્યનારાયણ મંદિર, ફ્રેન્ડ્સ પેટ્રોલપંપ, એમ.જી. રોડ, હાર્મની સર્કલ, યુગાન્ડા રોડ, સરદાર પટેલ ચોક રેલ્વે સ્ટેશન સર્કલ સુધી યોજાઈ હતી.અને રેલ્વે સ્ટેશન સર્કલ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અને જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મનીષભાઈ જીલડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઈ મોદી, વ્હીલ ચેર ક્રિકેટર શ્રી ભીમાભાઈ ખુટી,અગ્રણી સર્વ શ્રી અલ્પેશભાઈ મોઢા,સામતભાઈ ઓડેદરા તથા અગ્રણીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ જોડાયા હતાં અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે ‘એકતા શપથ’ લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાતો રાષ્ટ્રીય એકતા દિવસ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સમરસતાના સંકલ્પને પુનઃપ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે મંત્રીશ્રી સહિત નગરજનોએ રન ફોર યુનિટીમાં જોડાઈને દેશની એકતા માટે અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.