Western Times News

Gujarati News

‘મિસરી’ ફિલ્મના કલાકારોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

ટ્રાફિકના નિયમો દરેક માટે એકસમાન

અમદાવાદ ટ્રાફિક પોલીસે ‘મિસરી’ ફિલ્મના કલાકારોનો Before અને After નો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યાે

અમદાવાદ, ટ્રાફિકના નિયમો દરેક માટે એકસમાન છે, તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે આ વાતનો દાખલો બેસાડ્યો છે. તાજેતરમાં ગુજરાતી ફિલ્મના કલાકારો પણ અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા કરતા જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસ જાતે ફરિયાદી બની હતી.

જેની કાર્યવાહીના ભાગરૂપે ફિલ્મી કલાકારોએ પોતાની ભૂલ કબૂલતા માફી પણ માંગી છે.જોખમી સ્ટંટ કરવા બદલ અત્યારસુધી ઘણા લોકો પાસે ગુજરાત પોલીસે માફી મંગાવીને Before અને After નો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી રહી છે. ત્યારે આ ફિલ્મી કલાકારો પાસે પોલીસ માફી મંગાવશે કે કેમ એવા સવાલો સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ઉઠાવ્યા હતા. ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસે ‘મિસરી’ફિલ્મના કલાકારોનો  વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યાે છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસે શેર કરેલા વીડિયોમાં અભિનેતા ટિકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજા નજરે પડે છે. જેમાં ટિકુ તલસાણિયાએ પોતાની ભૂલ કબૂલતા કહ્યું હતું કે, “અમારા લીધે રસ્તામાં લોકોને અડચણો થઈ, ટાઈમસર ન પહોંચી શક્યા અને જે કંઈ પણ થયું એ બદલ એમે દિલગીર છીએ.” સાથોસાથ જેસલ જાડેજાએ પણ કહ્યું હતું કે, “આવા સ્ટંટ ન કરવા જોઈએ. નોર્મલ રીતે રાઈડ કરવું. પોતાની અને બીજાની જિંદગી સલામત રાખવી.”

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ના પ્રમોશન દરમિયાન કેટલાક કલાકારો દ્વારા બાઈક પર જીવના જોખમે સ્ટંટબાજી કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં અભિનેતા ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને અભિનેત્રી માનસી પારેખ સહિત અન્ય કલાકારો સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. જેને લઈને અમદાવાદની એ-ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.