રાજકોટમાં સામસામે ફાયરિંગમાં ૧૧ શખ્સો સામે ગુનો નોંધાયો
 
        ફાયરિંગ દરમિયાન ગોળીઓ રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં અથડાઈ
આ મામલે કોઈ પક્ષ ફરિયાદ નોંધાવવા ન આવતા, આખરે પોલીસે જ ફરિયાદી બનીને કુલ ૧૧ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી
રાજકોટ, રાજકોટમાં ગત ૨૯ ઓક્ટોબરના રોજ સવારે લગભગ ૩.૩૦ વાગ્યે મંગળા રોડ પર પેંડા ગેંગ અને મૂર્ઘા ગેંગ વચ્ચે જૂની અદાવતને લઈને સામસામે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. આ મામલે કોઈ પક્ષ ફરિયાદ નોંધાવવા ન આવતા, આખરે પોલીસે જ ફરિયાદી બનીને કુલ ૧૧ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક પીએસઆઇએ કુખ્યાત પેંડા ગેંગના ચાર અને સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગના સાત શખસો મળીને કુલ ૧૧ સામે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ, આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે જાતે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે વહેલી સવારે લગભગ ૩.૩૦ વાગ્યાની આસપાસ મંગળા રોડ પર આવેલ પ્રગતી હોસ્પિટલ પાસે જાહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ અને હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે હોસ્પિટલમાં દાખલ એક દર્દીના સગા ઉપર રાત્રિના સમયે ફાયરિંગ થયું હતું.તપાસમાં સામે આવ્યું કે, વહેલી સવારના ૩.૩૦ વાગ્યા આસપાસ કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડી આવી હતી.
તે દરમિયાન મોહસીન ઉર્ફે ચીનલો કુરેશી તેની થાર ગાડી લઈને આવ્યો હતો, જેની સાથે નંબર પ્લેટ વગરની સફેદ કલરની આઈ-૨૦ કાર પણ આવીને ઊભી રહી હતી. આ આઈ-૨૦ કારમાંથી ચાર વ્યક્તિઓ ઉતર્યા હતા, જેમાંથી મેટીયો ઝાલા અને ભયલુ ગઢવી સહિત બે શખસોએ અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું.ફાયરિંગ થતાં મોહસીન ઉર્ફે ચીનલો તેની થાર ગાડી લઈને નાસી છૂટ્યો હતો. ફાયરિંગ કરનારા શખસો પણ ગાડીમાં બેસીને નાસી ગયા હતા.
આગળની શેરીમાં જઈ રહેલા સમીર ઉર્ફે સંજલાને મોહસીન ઉર્ફે ચીનલાએ પાછળની આઈ-૨૦ ગાડીમાં ભયલુ ગઢવી તથા મેટીયો ઝાલાએ ફાયરિંગ કર્યાની જાણ કરતા, સમીર ઉર્ફે સંજલાએ પોતાની ફોર્ચ્યુનર કારમાંથી હથિયાર કાઢીને મેટીયા અને ભયલુ ગઢવીની કાર ઉપર આડેધડ ફાયરિંગ કર્યું હતું અને પછી બધા ત્યાંથી નાસી છૂટ્યા હતા. ફાયરિંગ દરમિયાન ગોળીઓ રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં પણ વાગી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કેટલાક શખ્સો જોવા મળ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ માથાકૂટ જૂની અદાવતને લઈને થઈ હતી.SS1

 
                 
                