Western Times News

Gujarati News

ગોધરા સબ જેલમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ

સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરાયું

(પ્રતિનિધિ)ગોધરા, ભારત રત્ન, અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ગોધરા સબ જેલ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો. આ અવસરે જેલ અધિક્ષક આર.બી. મકવાણા અને સ્ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત “રન ફોર યુનિટી” થી કરવામાં આવી હતી, જેમાં જેલ સ્ટાફ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ત્યારબાદ જેલના અંદર બંદિવાનો માટે સરદાર પટેલના જીવનની પ્રેરણાદાયી ઘટનાઓ, અખંડ ભારતના એકીકરણમાં તેમનું યોગદાન તથા તેમની કાર્યશૈલી વિશે માહિતીપ્રદ રજૂઆત કરવામાં આવી.

જેલ અધિક્ષક આર.બી. મકવાણાએ જણાવ્યું કે તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સરદાર સાહેબ ના જીવનવૃત્તાંત અંગે પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં કુલ ૯૦ બંદિવાનોએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં ૪૬ બંદિવાનોએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હતા. પ્રથમ સ્થાન જુનેદ હારૂન મફત (૯૮.૩૩%),
બીજું સ્થાન ઉવેશ હારૂન મફત (૯૬.૬૭%),અને તૃતીય સ્થાન — કાર્તિક શૈલેષભાઇ માછી તથા ભરતભાઇ ફુલાભાઇ ડીંડોર (૯૫%) એ મેળવ્યું હતું.

વિજેતા બંદિવાનોને સ્મૃતિચિન્હ અને તમામ પાસ થયેલ બંદિવાનોને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે જેલ સલાહકાર સમિતિના સભ્ય અને ઘોઘંબા તાલુકા પંચાયતના માજી પ્રમુખ છેલુભાઇ રાઠવા, હાલોલ નગરપાલિકાના માજી પ્રમુખ નિતીનભાઇ શાહ તથા સામાજિક કાર્યકર્તા કલમેશભાઇ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂરિયાત, તેમની સાદગી, કઠોર નિર્ણયો લેવાની શક્તિ, રાષ્ટ્રભાવના અને ગોધરાના ઐતિહાસિક મહત્વ વિશે ઉપસ્થિત બંદિવાનોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે જેલ અધિક્ષક આર.બી. મકવાણાએ તમામ મહાનુભાવો તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને સરદાર પટેલના “એકતા અને અખંડતાના” સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.