નવો બનાવાયેલો RCC રોડ ગેસ પાઈપલાઈન માટે તોડાતા લોકો રોષે ભરાયા
પ્રતિકાત્મક
ધ્રાંગધ્રા, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ઉપયોગ માટેની ગેસ પાઈપલાઈન બિછાવવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિવિધ વિસ્તારોમાં લાઈન નાંખવાનું કામ તબક્કાવાર રીતે હાથ ધરાયું છે પરંતુ આ કામગીરી દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં બનાવાયેલા આરસીસી રસ્તાઓ તોડી નાંખવામાં આવતા નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે.
ભાર્ગવી સોસાયટી વિસ્તારમાં થોડા મહિના પહેલાં જ બનાવાયેલા નવા આરસીસી રોડ પર ગેસ લાઈન નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. લોકોએ સ્થળ પરનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં સ્પષ્ટ રીતે રોડ તોડવાનું દૃશ્ય અને કામની પદ્ધતિ દર્શાવવામાં આવી છે જેના પગલે શહેરના નાગરિકો વચ્ચે ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે, શહેરમાં વિકાસના કામોનું યોગ્ય આયોજન કર્યા વગર નવા રોડ તોડવા એ સરકારી નાણાંનો બગાડ છે. આવા પ્રોજેકટો હાથ ધરતા પહેલાં પાલિકા અને સંબંધિત વિભાગો વચ્ચે સુમેળ રાખી યોગ્ય આયોજન કરવામાં આવે તો એક જ રસ્તો વારંવાર તોડવાની ફરજ ન પડે.
બીજી તરફ ગેસ કંપનીના અધિકારીઓનું કહેવું છે કે, લાઈન ગોઠવવાની તકનીકી જરૂરિયાતને કારણે માર્ગ તોડવો જરૂરી બન્યો હતો અને કામ પૂર્ણ થયા બાદ રસ્તાને તેની પૂર્વવ્રત સ્થિતિમાં લાવવામાં આવશે. આ આખી ઘટના પછી શહેરમાં પ્રશાસન સામે નાગરિકો અને રાજકીય કાર્યકરોના અસંતોષના સૂર ઉઠયા છે. ધ્રાંગધ્રા શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો વચ્ચે જવાબદારી અને સંકલનની જરૂરિયાત અંગે ફરી એકવાર ચર્ચા તેજ થઈ છે.
