સાબરકાંઠા જિલ્લામાં માવઠું થતાં ખેડૂતોને મોટું નુકસાન
પ્રતિકાત્મક
સાંસદ અને હિંમતનગર ધારાસભ્ય એ ખેડૂતોને સહાય આપવા લેખિત રજૂઆત કરીઃ ડાંગર, મગફળી અને કઠોળ સહિતના પાકોને વ્યાપક નુકસાન
(પ્રતિનિધિ) હિંમતનગર, મોન્થા વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુરૂવારે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. દરમ્યાન પ્રાંતિજ, ખેડબ્રહ્મા અને હિંમતનગર તાલુકામાં ઝરમર વરસાદ પડવાને કારણે ખેડૂતો હવે ચોક્કસ પાયમાલના પંથે પહોંચી ગયા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ખેડૂતોને થયેલ નુકશાનનું સર્વે કરાવી સહાય ચૂકવવા માટે લેખિત રજૂઆત કરી છે.
દરમ્યાન ગુરૂવારે બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધીમાં ભરચોમાસુ બેઠુ હોય તેમ બે કલાકમાં તલોદમાં સવા, પ્રાંતિજ૦૧, હિંમતનગરમાં અડધો ઈંચ વરસાદ પડતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. જોકે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા એ મુખ્યમંત્રી તથા ખેતીવાડી મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોની સહાયરૂપે યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ છે ત્યારે બે દિવસ અગાઉ જિલ્લામાં અનેક ઠેકાણે થયેલા માવઠાને કારણે ખેડૂતોની ડાંગર, મગફળી તથા અન્ય કઠોળ પાકોને વ્યાપક નુકસાન થઈ ચૂક્યું છે. હજૂ તો ખેડૂતોએ ખેતરમા પડેલા પાક ઘરે લાવ્યા નથી ત્યારે ફરીથી ગુરૂવારે હિંમતનગર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા તાલુકામાં ફરીથી ઝરમર વરસાદ પડ્યો હતો.
ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા મુજબ ગુરૂવારે સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો ત્યારે ગુરૂવારે બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં ૩૦ મીમી, પ્રાંતિજમાં ૨૩ મીમી, હિંમતનગરમાં ૧૦ મીમી, ખેડબ્રહ્મમાં ૦૫ મીમી અને વિજયનગર, ઈડર, વડાલી પંથકમાં ૦૧ મીમી વરસાદ વરસ્યો હતો. જોકે આખો દિવસ પોશીના તાલુકામાં વરસાદનો છાંટો પણ પડ્યો ન હતો.
તેમ છતાં આકાશ વાદળોથી ઘેરાયેલું રહેવા પામ્યું હતુ.તો બીજી તરફ પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં રહેતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. કારણ કે ઝરમર વરસાદ સતત ચાલુ રહ્યો હોવાને કારણે બિચારા ખેડૂતો ખેતરોમાં જઈ ઉભો પાક જોઈ મનોમન વ્યથિત થઈ ગયા છે.
જોકે સાબરકાંઠા-અરવલ્લીના સાસંદ શોભનાબેન બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા એ પણ ગુરૂવારે તરત જ મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને પત્ર લખી માવઠાને કારણે ખેડૂતોનો પાક બગડી ગયો છે તેનો સેટેલાઈટ સર્વે કરાવી સત્વરે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની ભલામણ કરી દેવામાં આવી છે.
