મંદિર પરિસરના આશ્રમમાં રહેતા અને સૂઈ રહેલા એક સેવકની રાત્રી દરમિયાન હત્યા
ઈડરના રેવાસમાં મંદિરમાં નિંદ્રાધીન સેવકની તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરાઈ-પોલીસે હત્યારા શખ્સને ઝડપી લેવા કાર્યવાહી કરી
તલોદ, સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના રેવાસ ગામ પાસે આવેલ મહાકાળી મંદિર પરિસરના આશ્રમમાં રહેતા અને સૂઈ રહેલા એક સેવકની રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી
જ્યારે આ ઘટનાની જાણ થતાં જ આસપાસથી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ઘટનાની જાણ થતાં જ ઈડર પોલીસ અને જિલ્લા પોલીસની તપાસ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ઈડર તાલુકાના રેવાસ ગામની સીમમાં અને જિંજવા જતા રસ્તા પર આવેલા મહાકાળી મંદિરના જ્ઞાનેશ્વર આશ્રમના હોલમાં તા.ર૭-૧૦-ર૦રપના સોમવારની રાત્રીના ૧૦ વાગ્યાથી તા.ર૮-૧૦-ર૦રપ મંગળવારની વહેલી સવારે આશરે સાડા ત્રણના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે આશ્રમમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી આશ્રમના હોલમાં જાળી ખોલી હોલમાં સૂઈ રહેલા પૂર્ણાનંદ સ્વામી જ્ઞાનાનંદ આશરે (ઉંમર વર્ષ પ૧)ને કોઈ અગમ્યો કારણોસર
ગળાના ભાગે તેમજ છાતીના બન્ને બાજુએ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી આરોપી ઈસમ ફરાર થઈ ગયો હતો જ્યારે સેવકના હત્યાની જાણ મંદિરના પૂજારી સ્વામી ગ્યાનાનંદ ભાગવતાનંદ સરસ્વતી (ઉ.વ.૭પ)ને થતાં તેઓએ ઈડર પોલીસને જાણ કરી હતી
અને સ્થાનિક પોલીસે આ મામલે જિલ્લા એલસીબી તેમજ એસઓજી તથા એફએસએલ ટીમની મદદ લીધી હતી અને ઉપરોકત તમામ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
જ્યારે સેવકના મૃતદેહને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે મંદિરના પૂજારીએ અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
