Western Times News

Gujarati News

પૈસાની લાલચમાં બે રિક્ષા ચાલકોએ રૂ.૮૮ હજારની લૂંટનું નાટક રચ્યું

ઇડરના કાનપુર-ગોરલ રોડ પરની ઘટના -ઇડર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો, ફરીયાદી આરોપી નીકળ્યો

(પ્રતિનિધિ) હિંમતનગર, ઇડર તાલુકામાં રીક્ષા ચાલકોએ જાણી જોઈને ગુરૂવારે પૈસાની લાલચે લૂંટનો નાટક ગોઠવી ઈડર પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇડર પોલીસે તપાસને અંતે લૂંટના નાટકનો પર્દાફાશ કરીને ફરીયાદ કરનારને આરોપી તરીકે સાબિત કરી દીધો હતો.

જેથી ઈડર પોલીસે તરત જ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુરૂવારે સાંજના સમયે એ.એસ.આઈ. મેહુલભાઈ પરશોત્તમભાઈ ફરજ પર હતા

ત્યારે એ.એસ.આઈ. બિપીનભાઈ નગજીભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી કે રેવાસ-કાનપુર વચ્ચે રીક્ષામાં લૂંટની ઘટના બની છે ત્યારબાદ ઇડર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા રીક્ષાનો આગળનો કાચ તૂટી ગયેલો જોવા મળ્યો હતો. જ્યાં પોલીસ સમક્ષ ઈડરના રીક્ષા ચાલક એજાજ જાનુભાઈ મનસુરી એ જણાવ્યું કે અજાણ્યા વ્યક્તિઓએ રૂ.૮૮,૦૦૦/-ની લૂંટ કરી લાકડીથી માર મારી ઈજા પહોંચાડી હતી.

પરંતુ પોલીસને તેની વાત શંકાસ્પદ જણાતા સર્વેલન્સ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે રીક્ષા ચાલક પોતે જ એકલા મુસાફરી કરી રહ્યો હતો અને કોઈ લૂંટનો બનાવ બન્યો જ નહોતો.

ત્યારબાદ પોલીસે કડક પુછપરછમાં એજાજ મનસુરીએ સ્વીકાર્યુ કે પોતાના મિત્ર ઈમરાનશા દિલાવરશા ફકીર સાથે આર્થિક સંકડામણ દૂર કરવા માટે લૂંટનું નાટક ગોઠવ્યું હતુ. એજાજે સ્વસ્તિક બુક ડેપોના રૂ.૮૮,૦૦૦/- લઈ પોતાના મિત્ર ઈમરાનશાને આપ્યા અને પોતે જ લાકડી વડે ઈજા કરાવી તેમજ રીક્ષાનો કાચ તોડાવી પોલીસને ખોટી જાણ કરી હતી. ઇડર પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ બને રીક્ષા ચાલકો સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.