ગુજરાતમાં મલ્ટીપ્લેક્સમાં પ્રાઈમ ટાઈમ પ્રાદેશિક ફિલ્મો માટે ફાળવવા ઉઠતી માંગ
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક (પ્રાદેશિક) ગુજરાતી ફિલ્મો ભરપૂર આવવા લાગી છે અને દર્શકો પણ મોટા પ્રમાણમાં પ્રાદેશિક ગુજરાતી ફિલ્મો તરફ વધ્યા છે. નવા- નવા કલાકારો સાથે નિર્માતાઓ હવે તો ખર્ચાળ ફિલ્મો લઈને આવી રહયા છે.
મોટા- મોટા પ્રોડકશન હાઉસ આગામી સમયમાં આવી રહયા છે તેવા તમામ દાવાઓ વચ્ચે હકીકત એ છે કે કોઈક કારણોસર હજુ પણ દર્શકો હિંદી ફિલ્મોની માફક ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા નથી.
હિંદી ફિલ્મોની સરખામણીમાં ગુજરાતી ફિલ્મોને જોઈએ તેવો પ્રતિસાદ મળી રહયો નથી તે હકીકત સૌ કોઈ જાણે છે અન્ય રાજયોમાં પ્રાદેશિક ફિલ્મો જબરજસ્ત ચાલે છે ત્યારે ગુજરાતમાં ફિલ્મોને લઈને વાતાવરણમાં ફેરફાર થયો નથી.
થોડા સમય પહેલા આવેલા એક જાણીતા ગુજરાતી કલાકારે વાતચીતમાં જણાવ્યુ હતું કે અન્ય રાજયોમાં પ્રાઈમ ટાઈમમાં મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં પ્રાદેશિક ફિલ્મો બતાવવાનું ફરજીયાત કરાયુ છે તે પ્રકારે ફરજીયાત નહી તો મલ્ટીપ્લેક્સના માલિકો સાથે બેસીને વચગાળાનો માર્ગ નીકાળવામાં આવે તે જરૂરી છે.
પ્રાદેશિક ગુજરાતી ફિલ્મોના સ્તરમાં ઘણો સુધારો થયો છે. નવા કલાકારો અભિનયનો ઓજસ પાથરી રહયા છે કેન્દ્ર- રાજય સરકારની નીતિ સકારાત્મક રહી છે ત્યારે આ દિશા તરફ ગંભીરતાપૂર્વક વિચારાઈ રહયુ છે જાણવામાં આવ્યા પ્રમાણે આગામી દિવસોમાં મલ્ટીપ્લેક્સ થિયેટરોના માલિકો- અગર તો રાજય સરકારમાં રજૂઆત કરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
પ્રાઈમ ટાઈમમાં પ્રાદેશિક ફિલ્મ રજૂ કરાય તો સંભવતઃ પ્રેક્ષકોને ગુજરાતી ફિલ્મ જોવામાં સમયમાં સરળતા રહી શકે છે તદઉપરાંત જયારે આગામી સમયમાં મોટા પ્રોડકશન હાઉસ આવી રહયા છે ત્યારે ગુજરાતી ફિલ્મો મોટા બજેટની બનવાની સાથે સારી સ્ટોરી- મ્યુઝીક સહિતના બેકગ્રાઉન્ડ સાથે આગળ આવશે તે નિશ્ચિત મનયા છે.
