રખડતાં કૂતરાંના મામલે રાજ્યોના મુખ્ય સચિવો હાજર થાયઃ સુપ્રીમ
રખડતાં કૂતરાં મામલે સુપ્રીમ કોર્ટના આદેશે દેશભરમાં ચર્ચા જગાવી
કોર્ટના હુકમનો અનાદર કેમ કર્યાે? નિર્દેશોના પાલનની માહિતી આપતી એફિડેવિટ રજૂ નહીં થતાં સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી
નવી દિલ્હી,રખડતાં કૂતરાં મામલે સુપ્રીમ કોર્ટના આદેશે દેશભરમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને ૩ નવેમ્બરે સુપ્રીમ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા આદેશ અપાયા હતા. તેમાં રાહત આપવાની રજૂઆતને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે નોંધ્યું છે કે, કોર્ટના હુકમ પ્રત્યે કોઈ આદર જણાતો નથી. પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સિવાય અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને રૂબરૂ હાજર રહેવા કોર્ટે નિર્દેશ આપેલા છે.
અગાઉ ૨૨ ઓગસ્ટે કોર્ટે આપેલા હુકમના પાલન સંદર્ભે એફિડેવિટ રજૂ કરવાના નિર્દેશ અપાયા હતા. જો કે આવી કોઈ એફિડેવિટ કરાઈ ન હતી, જેના કારણો રજૂ કરવા માટે કોર્ટે મુખ્ય સચિવોને રૂબરૂ હાજર રહેવા નિર્દેશ આપેલા છે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મેહતાની બેન્ચે અગાઉ ૨૨ ઓગસ્ટે અપાયેલા હુકમનું પાલન નહીં થવા સંદર્ભે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે ૨૭ ઓક્ટોબર સુધીમાં એફિડેવિટ રજૂ ન કરનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને રૂબરૂ હાજર રહેવા નિર્દેશ અપાયા હતા.
રૂબરૂ હાજર રહેવામાંથી પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના મુખ્ય સચિવ ઉપરાંત દિલ્હી મ્યુનિસિપલ કોર્પાેરેશનના મુખ્ય સચિવને રાહત અપાઈ છે. સુપ્રીમ કોર્ટે પ્રાણી જન્મ દર પર અંકુશ મૂકતા નિયમો ઘડવા બાબતે નિર્દેશ આપ્યા હતા. આ કેસમાં સરકાર તફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ રજૂઆત કરી હતી અને મુખ્ય સચિવોને ૩ નવેમ્બરે વર્ચ્યુઅલી હાજર રહેવાની મંજૂરી આપવા માગણી કરી હતી.
જો કે સુપ્રીમ કોર્ટે તેમની આ માગણી ફગાવી દીધી હતી. આ સાથે સુપ્રમી કોર્ટે નોંધ્યુ હતું કે, મ્યુનિસિપલ કોર્પાેરેશન અને રાજ્ય સરકારે જે સમસ્યાઓ દૂર કરવાની હોય છે, તેમાં સુપ્રીમ કોર્ટે દખલ કરવી પડે છે. આ બાબત કમનસીબ છે અને તેનાથી સુપ્રીમ કોર્ટનો સમય બરબાદ થઈ રહ્યો છે. સંસદે પ્રાણી જન્મદરના નિયમો બનાવ્યા છે, પરંતુ આ દિશામાં નક્કર પગલાં લેવાયાં નથી.ss1
