ગોતા બ્રિજ નજીક દવાની આડમાં 5000 બોટલ દારૂ-બીયર લઇ જતી ટ્રક ઝડપાઇ
વૈષ્ણોદેવીથી ગોતા બ્રિજ પહોંચતા ઝડપાયા
સોલા પોલીસે બાતમી આધારે ટ્રક સાથે બે આરોપીને ઝડપી લઇ તપાસ હાથ ધરી ઃ દારૂ હરિયાણાથી રાજકોટ લઈ જવાતો હતો
અમદાવાદ,શહેરના એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક દારૂ ભરેલી ટ્રક સોલા પોલીસે ઝડપી લીધી છે. આરોપીઓ હરિયાણાથી આ ટ્રકમાં ૬૦ હજાર દવાની બોટલો વચ્ચે દારૂ બીયરની પાંચ હજારથી વધુ બોટલો ભરીને રાજકોટ તરફ જઇ રહ્યા હતા. સોલા પોલીસે બાતમી આધારે ટ્રક સાથે બે આરોપીને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો હરિયાણાથી લઇ આવીને રાજકોટ પહોંચાડવાનો હોવાનું જણાયુ છે.વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ તરફ દારૂ બીયરનો જથ્થો ભરીને એક ટ્રક પસાર થવાની છે તેવી પોલીસને બાતમી મળી હતી.
સોલા પોલીસસ્ટેશનના ઇન્સપેક્ટર કે. એન. ભુકણ અને પીએસઆઇ એસ. જે. દેસાઇની ટીમે ગોતા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં એક શંકાસ્પદ ટ્રક પસાર થતા પોલીસે તેને થોભાવી હતી. પોલીસે ટ્રકની તપાસ કરતા પહેલાં તો દવાની બોટલોના બોક્સ મળી આવ્યા હતા. જોકે, દવાની બોટલોના બોક્સની આડમાં દારૂ બીયરનો જથ્થો ભરેલા બોક્સ પણ મળી આવતા પોલીસની આંખો પહોળી થઇ ગઇ હતી. સોલા પોલીસે આરોપી સાદવીન્દરસિંઘ ભુલ્લર અને તરચોલનસિંઘ સંધુ (બંને રહે. પંજાબ)ની ધરપકડ કરી છે.
પોલીસે ૩૦.૯૦ લાખની મતાના દારૂ-બીયરની ૫૫૨૦ બોટલ, ટ્રક અને ૬૦ હજાર દવાની બોટલો મળીને કુલ રૂ. ૫૦.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા દવાના બોક્સ મહારાષ્ટ્ર માલેગાંવ પહોંચાડવાના હતા. હરિયાણાના પંજાબીભાઇએ આ દારૂ ભરી આપીને રાજકોટ મોકલવા સૂચના આપી હતી. જેથી સોલા પોલીસે દારૂ મોકલનાર પંજાબીભાઇની સાથે રાજકોટના બૂટલેગરોની પણ તપાસ હાથ ધરી છે. ss1
