535 કિ.મી. પાલનપુરથી દ્વારકાની સાયકલ યાત્રાઃ અંગદાન મહાદાન અને ક્લીન-ગ્રીન ગુજરાતના સંદેશ સાથે
ડીસા, અંગદાન મહાદાન અને ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાત થીમ અંતર્ગત પાલનપુરથી દ્વારકા સુધીની ૫૩૫ કિ.મી. ની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરના બે શિક્ષક મિત્રો પરેશભાઈ પુરોહિત અને સુનિલભાઈ પટેલ સાથે સુરજપુરાના યુવાન મિત્રો કલ્પેશભાઈ, શૈલેષભાઈ, સુજયભાઈ, સ્મિતભાઈ, મનીષભાઈ, જીગ્નેશભાઈ તથા વોલેન્ટિયર્સ અશ્વિનભાઈ અને ગિરધરભાઈ દ્વારા આ અનોખી યાત્રા હાથ ધરાઈ હતી.
આ સાયકલ યાત્રાનો મુખ્ય આશય હતો: અંગદાન મહાદાન અંગે જાગૃતિ ફેલાવવી, સાથે સાથે સ્વચ્છ અને હરીયાળું ગુજરાત માટે પ્રેરણા આપવી અને શારીરિક સ્વાસ્થ્ય અંગે લોકોમાં સંદેશ પહોંચાડવો. યાત્રા દરમિયાન ટીમે અનેક ગામોમાં રોકાઈ લોકો સાથે મુલાકાત કરી, અંગદાન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. દ્વારકાધીશના ચરણોમાં વંદન કરીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
