ખેતરમાં લણીને તૈયાર પાક અને લહેરાતા પાકને વરસાદને કારણે ભારે નુકશાન થયું
પ્રતિકાત્મક
કમોસમી વરસાદ : આકાશમાંથી વરસતો વરસાદ ખેડૂતોની આંખોમાંથી વરસતા અશ્રુ સામે ફિક્કો પડ્યો છે; ચાતક નજરે ચોમાસાની રાહ જોતો જગતનો તાત આકાશે વાદળો ઘેરાઈ ફોરાં પડતાં લાપસી મૂકતો હોય છે ત્યારે હાલ રડી રહ્યો છે
મોડાસા, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે જગતના તાતના મોઢામાં આવેલો કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતિ પેદા થતાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.
ખેતરમાં લણીને તૈયાર પાક અને ખેતરમાં લહેરાતા પાકને ભારે નુકશાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી, તલ અને જવ જેવા મુખ્ય પાકોને સંપૂર્ણ નુકસાન થવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાવા છે. બાગાયતી અને શાકભાજીની ખેતી કરનાર ખેડૂતો પણ લાચારી અનુભવી રહ્યા છે. અરવલ્લી જીલ્લાને કમોસમી વરસાદે ઘમરોળી નાખ્યો છે છેલ્લાં ત્રણ ચાર દિવસથી પડી રહેલા સતત વરસાદ ખેડૂતો અને તેમના પરિવારોને રડાવી રહ્યો છે.
અરવલ્લી જીલ્લામાં ચાલુ વર્ષે સારા માવઠાના વરસાદના કારણે ખરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયું હતું. હાલમાં તેમના પરિવારે દિવસ-રાત મહેનત કરી તૈયાર કરેલ ખેતી માવઠાના વરસાદના પગલે નિષ્ફળ જવાની દહેશતના પગલે ખેડૂતો દેવાના ડુંગર નીચે દટાઈ જાય તો નવાઈ નહી. હાલ તો ખેડૂતો કમોસમી વરસાદ ખમૈયા કરેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. જીલ્લામાં ખરીફ પાકની કાપણી અને લવાણી ચાળી રહી છે ત્યારે માવઠું થતાં ખેતરોમાં તૈયાર પાક પલળી ગયો છે.
મગફળી, સોયાબીન, ડાંગર સહિતના પાકનો વરસાદે સોથ વાળી નાખ્યો છે જેથી ખેડૂતોને આર્થિક ફટકો પડતાં ખેડૂતોએ રાજકીય પક્ષોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી તાકીદે વળતર આપવામાં આવેની માંગ કરી છે. બીજીબાજુ હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં બે દિવસ હળવાથી ભારે વરસાદી ઝાપટાની આગાહી કરતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે સતત વરસતા વરસાદ અને ધીમી ગતિથી ફૂંકાતા પવનના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
