કરમસદથી કેવડીયા સુધીની લગભગ ૧૫૦ કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રા ૨૬ મી નવેમ્બરથી યોજાશે
સરદાર પટેલના જીવન-ક્વનને લોકો સુધી પહોંચાડવા માટે યુનિટી માર્ચ અસરકારક માધ્યમ બનશે : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા
રાષ્ટ્રીય પદયાત્રામાં જન જન જોડાય તેવું આયોજન કરીએ : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
યુનિટિ માર્ચના સુદ્રઢ આયોજન અર્થે એન.ડી.ડી.બી. ખાતે બેઠક યોજાઈ –મંત્રીશ્રી તથા મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે આગામી તા. ૨૬ નવેમ્બર થી તા. ૬ ડિસેમ્બર સુધી કરમસદથી કેવડીયા સુધીની લગભગ ૧૫૦ કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશની સ્વતંત્રતા માટે અને આઝાદી બાદ ભારતને એક ભારત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા યોગદાનને ઉજાગર કરતી આ રાષ્ટ્રીય પદયાત્રાના સુચારૂ આયોજન અર્થે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રક્ષા નિખિલ ખડસેની પ્રેરક ઉપસ્થિતિમાં મંત્રી મંડળના અન્ય મંત્રીશ્રીઓ અને સનદી અધિકારીઓની એક બેઠક આણંદ સ્થિત એન.ડી.ડી.બી. ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, સરદાર પટેલે દેશની આઝાદી અને આઝાદી બાદ દેશની એકતા અને અખંડીતતા માટે આપેલ યોગદાનને જન જન સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય પદયાત્રા એ અસરકારક માધ્યમ બની રહેશે. આ પદયાત્રા એ સાચા અર્થમાં સરદાર પટેલના વિચારોને અનુરૂપ સાદગીનું પ્રતિક બની રહે તેવી હોવી જોઈએ. જેમાં સ્વચ્છતાની સાથે આત્મ નિર્ભર ભારતની છબી ઉજાગર થાય તે જરૂરી છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન આપતાં કહયું કે, પદયાત્રા જે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય તેના સપ્તાહ અગાઉ સબંધિત વિસ્તારોમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલના જીવન-ક્વનથી લોકોને માહિતગાર કરવામાં આવે તથા પદયાત્રા દરમિયાન સબંધિત ગામના વરિષ્ઠ વ્યક્તિથી માંડી જે લોકો ગામના વિકાસમાં સહભાગી બન્યા હોય તેવા નાનામાં નાના માણસને સન્માનવા જોઈએ.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, પદયાત્રા સાથે જન જન જોડાય તેવું આયોજન થાય તે જરૂરી છે. આ પદયાત્રાના રાત્રિ પડાવના સ્થળોએ સ્થાનિક કલાકારો દ્વારા સરદાર પટેલના જીવન-કવન ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવે તે ઈચ્છનિય છે. આ ઉપરાંત આ યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાઓની સાથે અબાલ વૃધ્ધ સૌ કોઈ સહભાગી બને તે પ્રકારના આયોજન સાથે સ્કૂલમાં પણ સરદાર વિશેના નિબંધ સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધા યોજાય તે પ્રકારનું આયોજન કરવા તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પદયાત્રા દરમિયાન પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટેના પ્રદર્શન સ્ટોલ તથા સ્વછતા અભિયાનને સાર્થક કરતા સંદેશ પણ પદયાત્રા થકી લોકોને મળી રહે તે જોવા જણાવ્યું હતુ. તેમણે પદયાત્રાના રૂટમાં આવતા ગામોના પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોને સન્માનવાના સૂચન સાથે સરદાર યાત્રા એ સરદાર પટેલ જેવા લોહપુરૂષની આભાને અનુરૂપ બની રહે તે જોવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં ઉપસ્થિત કેન્દ્રીય રાજય મંત્રી શ્રી રક્ષા નિખિલ ખડસે, રાષ્ટ્રીય મહાસચિવશ્રી સુનિલ બંસલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી, જિલ્લા અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ, કેન્દ્રીય યુવા અને રમતગમત સચિવશ્રી પલ્લવી જૈન સહિતના મહાનુભાવોએ પદયાત્રાના રૂટ, યાત્રામાં જન જનની ભાગીદારી, રૂટના પડાવના સ્થળે પદયાત્રીઓની રાત્રિ નિવાસ, ભોજન સહિતની બાબતો, સરદાર પટેલના જીવન ક્વનને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સરદાર સ્મૃતિ વનના નિર્માણ અને એક પેડ મા કે નામ અંતર્ગત ૫૬૨ જેટલા વૃક્ષોનું વાવેતર, સ્વચ્છતા અને સ્વદેશી તથા સરદાર પટેલના વિચારને મૂર્તિમંત કરતાં કાર્યો થકી આ પદયાત્રા સાચા અર્થમાં જન-જનની યાત્રા બને રહે તે માટે તેમના વિચારો – સૂચનો રજુ કર્યા હતા.
બેઠકના પ્રારંભમાં રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરીને રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની વિસ્તૃત રૂપરેખા આપી હતી, તથા બેઠકના અંતમાં તેમણે મંત્રીશ્રી તથા મહાનુભાવો તરફથી મળેલ સૂચનોને અનુરૂપ રાષ્ટ્રીય પદયાત્રાનું સફળ આયોજન કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
બેઠક બાદ મંત્રીશ્રીઓ તથા મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસ્થાનની મુલાકાત લઈને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી.
આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, સચિવશ્રી, પ્રવાસન વિભાગ, સચિવશ્રી, માર્ગ અને મકાન વિભાગ, કમિશ્નરશ્રી, ઉચ્ચ શિક્ષણ વિભાગ, માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકા કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાં સહિત વડોદરા, ખેડા, નર્મદા જિલ્લાના કલેકટરશ્રી તથા રાષ્ટ્રીય પદયાત્રાના સૂચારૂ આયોજન અર્થે બનાવવામાં આવેલ વિવિધ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
