Western Times News

Gujarati News

ગુજરાતના મંત્રીમંડળના નવાં મંત્રીઓની લાચારી અને મર્યાદા

હજુ મને મારો સ્ટાફ પણ મળ્યો નથી. એટલે હું તારું કામ અત્યારે નહીં કરી શકું. તું એક મહિના પછી નિરાંતે આવજે, તારૂં કામ કરી આપીશ.’: કેબીનેટ મંત્રી

ગુજરાતનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યા પછી તા.૨૭ ઓક્ટોબરથી મંત્રીઓએ કાર્યાલયમાં આવવા-બેસવાનુ શરૂ કરી દીધું છે.આ દરમિયાન એક કેબિનેટ મંત્રી પાસે ગ્રામવિસ્તારનો એક ભલોભોળો કાર્યકર આવ્યો અને મંત્રીને ફાળવાયેલા ખાતાને લગતું પોતાનું કામ કરાવી આપવા માટે રજુઆત કરવા લાગ્યો.

તો કેબિનેટ મંત્રીએ તેને હળવાશથી કહ્યું કે ‘એલા ભાઈ તું જાળવ્યો જા, હજુ મને મારો સ્ટાફ પણ મળ્યો નથી. એટલે હું તારું કામ અત્યારે નહીં કરી શકું. તું એક મહિના પછી નિરાંતે આવજે, તારૂં કામ કરી આપીશ.’

આનો અર્થ એ થયો કે સદરહુ કેબિનેટ મંત્રીને પણ ખાતરી છે કે તેઓને તેમનો અંગત સ્ટાફ મળતા એક માસ જેટલો સમય લાગવાનો છે.એટલે આ નવી સરકારના સંદર્ભે એમ કહી શકાય કે નવી સરકાર રચાઇ ગઇ છે પણ ‘ખાટલે મોટી ખોટ એ છે કે ચોથો પાયો જ નથી.’ આ પરથી એવું લાગે છે કે નવી સરકાર અને નવાં પ્રધાનોને સેટ થતાં હજુ એકાદ મહિનાની વાર લાગશે!

ગુજરાતના નવા મંત્રીમંડળની નવાજૂની

ગુજરાતનાં નવાં મંત્રીમંડળની ઉતાવળે થયેલી સોગંદવિધિ પછીના એક દિવસ બાદ આવેલી સળંગ એક અઠવાડિયાની રજાને કારણે નવા મંત્રીઓએ રજાઓ પૂરી થયા બાદ તા.૨૭મી ઓક્ટોબરે પોતાની કચેરીઓમાં સ્થાન લીધું.

એની વિગતો ટૂંકમાં જોઈએ તો(૧) કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ચેમ્બર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફાળવાઇ છે(૨)અગાઉ મુળુભાઇ બેરા જ્યાં બેસતા એ કેબીન જિતુ વાઘાણીને અપાઇ છે

(૩)અગાઉ ભાનુબહેન બાબરિયા જે ચેમ્બરમાં બેસતા એ જગ્યા અર્જુન મોઢવાડિયાને અપાઇ છે.મોઢવાડિયાએ સોમવારે વિધિપૂર્વકની ધાર્મિક પૂજાપાઠ કરાવીને ચેમ્બરમાં પોતાની ખુરશી પર ટેકેદારોની હાજરીમાં સ્થાન લીધું હતું

(૩)જ્યાં રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે એ સ્વર્ણિમ સંકુલ-૨ની તમામ ચેમ્બર ભરાઇ ગઇ છે

(૪)સ્વર્ણિમ સંકુલ-૨ની અગાઉ હર્ષ સંઘવી ને અપાયેલી ચેમ્બર કાંતિ અમૃતિયાને અપાઇ છે. આ અંગે અમૃતિયાના ટેકેદારો એવો હરખ વ્યક્ત કરતા હતા કે આ ચેમ્બર શુકનિયાળ છે એટલે ભવિષ્યમાં કાન્તિ અમૃતિયા પણ અહીંથી પ્રગતિ કરીને કેબિનેટ મંત્રી બનશે!

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય દિનેશ દાસાનુ સૌજન્ય?.
બે ટર્મ સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના(યશસ્વી) ચેરમેન રહેલાં અને એ પછી હાલ દિલ્હી ખાતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે સેવા આપતા સહ્રદયી સજ્જ્ન દિનેશ દાસાના સંવેદનશીલ અને સાલસ સ્વભાવનો અનુભવ ગુજરાતના એક સિનિયર પત્રકારને તાજેતરમાં થયો હતો.

ગત બુધવારે ગાંધીનગરનાં પ્રેસ રૂમમાં સહજ વાતચીતમાં એ મીડિયા કર્મીએ દિલ ખોલીને જણાવ્યું કે દિનેશ દાસા સાથે ઓચિંતા ફોન પર વાત થઈ અને એમાં ઔપચારિક રીતે પૂછ્યું કે નવી દિલ્હીના રેલવે સ્ટેશનથી ગુજરાત ભવન કેટલાં કિલોમીટર દૂર થાય? તેથી દાસાએ પૂછ્યું કે કેમ એવું પૂછ્યું? તો પત્રકાર મિત્રે જવાબ આપ્યો કે ફલાણી તારીખે દિલ્હી આવું છું અને દિલ્હી ગુજરાત ભવનમાં રોકાવાનો છું.

એટલે તો દિનેશ દાસાએ કહ્યું કે તમારી ટિકિટ મને વોટ્‌સએપથી મોકલી આપો. એ પછી એ પત્રકાર નિર્ધારિત દિવસે દિલ્હી પહોંચ્યા ત્યારે દિનેશ દાસાએ નવી દિલ્હીના રેલવે સ્ટેશનથી ગુજરાત ભવન જવા માટે ટેક્સીની વ્યવસ્થા કરાવી આપી હતી. આ ઉપરાંત દાસાએ એવી ખાસ કાળજી રાખી હતી કે ટેક્સી રેલવે પ્લેટફોર્મને અડીને અને અંતે આવેલા વી.આઈ.પી.પાર્કિગમા ઉભી રહે.

જેથી કરીને સિનિયર પત્રકાર મિત્રએ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ છોડવું જ ન પડે અને સીધાં ટેક્સી પાસે પહોંચી જાય! ભા.જ.પ.પાસે જે સંવેદનશીલ અને માનવીય અભિગમ ધરાવતા લોકો છે એમાં દિનેશ દાસા ઉપલા ક્રમે સ્થાન પામે એવા છે એવું આ ઘટના પરથી કોઈને લાગે તો તેને ખોટુ માની શકાય તેમ નથી હોં!

રાજકારણમાં રીવાબા જાડેજા અપરિપક્વ ઉંમરે પણ પરિપક્વ છે
તા.૨ નવેમ્બર,૧૯૯૦ના દિવસે જન્મેલા અને(એટલે કે ગઇ કાલે જ જેમનો જન્મદિવસ હતો તેવા) રીવાબા જાડેજા ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી બન્યા છે. ૩૫-૩૬ વર્ષની ઉંમર રાજકારણમાં પરિપક્વ ઉંમર નથી ગણાતી.

પણ મીકેનીકલ એન્જિનિયર થયેલા અને યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી પણ કરી ચૂકેલા રીવાબા જાડેજાને મંત્રીની ખુરશી પર બેઠેલા જુઓ તો પૂર્ણ પરિપક્વ અને ઠરેલા રાજકારણી લાગે.એમને અભિનંદન આપવા આવનારાઓ પ્રત્યેના એમનાં વાત,વ્યવહાર,વર્તન અને વિવેક તેમના રાજપુતી સંસ્કારની ચાડી ખાતા હતા.

કોઈ મોટી ઉંમરનાં વડીલ આવે તો ખુરશી પરથી ઉભા થઇને એમનું અભિવાદન ઝીલતા હતાં.પત્રકારો આવ્યા તો વિવેકથી કહે ‘કંઈ ભૂલ થાય તો ચોક્કસ ધ્યાન દોરજો,હું રાજકારણમાં નવી છું.’ આ વાત અને વ્યવહાર સૂચવે છે કે રીવાબા ભાજપના રાજકારણના ‘લાંબી રેસના ઘોડા છે.’

ધારાસભ્ય કુમાર કાનાણી રા.ક.ના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પ્રમાણીક ગણે છે!

સુરતમાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય અને સરકારમાં (પક્ષની શિસ્તની ચિંતા કર્યા વગર) પ્રજાનાં પ્રશ્નો અંગે વારંવાર પત્ર લખતાં કુમાર કાનાણીએ તાજેતરમાં રા.ક.ના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખીને રજુઆત કરી છે કે તમે પ્રમાણિક છો તો ભેળસેળિયા વેપારીઓ સામે કડક પગલાં ભરો અને જનતાને શુદ્ધ વસ્તુઓ મળે તેવી વ્યવસ્થા કરો.

કુમાર કાનાણી અને પ્રફુલ્લ પાનસેરિયા સુરતમાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય છે.તેથી સુરતના પક્ષના આંતરિક રાજકારણમાં આમ તો તેઓ રાજકીય હરિફો ગણાય તેમ છતાં કુમાર કાનાણીએ પાનસેરિયાને પ્રમાણીકતાનો શિરપાવ આપ્યો છે એટલે પાનસેરીયાની પ્રમાણીકતા નક્કર હોવાની સંભાવના છે.

આ વાતને બળ એ રીતે મળે છે કે પ્રફુલ્લ પાનસેરિયા પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાય પ્રવૃત્તિનું ફરજંદ છે. હવે માત્ર રાહ એ જોવાની રહે કે પ્રફુલ પાનસેરિયા એમની નિષ્ઠા અને પ્રમાણીકતાને સરકારમાં કેવી રીતે કાર્યાન્વિત કરે છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.