સરદાર સાહેબની પ્રતિમાને નિહાળીને પરિવારજનોએ ગૌરવની લાગણી અનુભવી
હું અને મારો પરિવાર પીએમ મોદીજી અને સરદાર પટેલની આ શ્રદ્ધાંજલિને મૂર્તિમંત કરવામાં સંકળાયેલ પ્રત્યેક વ્યક્તિના ખૂબ ખૂબ આભારી છીએ.
સરદાર સાહેબની 150મી જન્મજયંતીના અવસરે તેમના પરિવારજનોએ એકતા નગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
‘સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી પીએમ મોદીજીએ વિશ્વને દર્શાવ્યું કે એક અખંડ ભારત શું કરી શકવા સક્ષમ છે’
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગત ગુરૂવારે એટલે કે 30 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતમાં એકતા નગર ખાતે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતી નિમિત્તે એકતા નગર ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે 150મી સરદાર પટેલ જયંતીના અવસરે સરદાર સાહેબના પરિવારજનો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે એકતા નગર પહોંચ્યા હતા, ત્યારે તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેઓ સહભાગી થયા હતા અને વડાપ્રધાનશ્રી સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો.
સરદાર સાહેબના પૌત્ર શ્રી ગૌતમ પટેલ અને તેમનો પરિવાર પહોંચ્યો એકતા નગર
સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર શ્રી ગૌતમ ડાહ્યાભાઈ પટેલ (ઉંમર 80 વર્ષ), તેમના પત્ની ડૉ. નંદિતા ગૌતમભાઈ પટેલ (ઉંમર 79 વર્ષ), શ્રી ગૌતમભાઈના પુત્ર એટલે કે સરદાર સાહેબના પ્રપૌત્ર શ્રી કેદાર ગૌતમભાઈ પટેલ (ઉંમર 47 વર્ષ), તેમના પત્ની શ્રીમતી રીના કેદાર પટેલ (ઉંમર 47 વર્ષ) તેમજ કેદારભાઈ અને રીનાબેનની પુત્રી કુમારી કરીના કેદાર પટેલ (ઉંમર 13 વર્ષ) રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે એકતા નગર પહોંચ્યા હતા.
આ ઉપરાંત, શ્રી ગૌતમ પટેલના પિતરાઈ શ્રી સમીર ઇન્દ્રકાંત પટેલ (ઉંમર 68 વર્ષ) તથા તેમના પત્ની શ્રીમતી રીતા સમીર પટેલ (ઉંમર 66 વર્ષ) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનશ્રી મુલાકાત કરી હતી અને તેમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણ્યો હતો. 31 ઓક્ટોબર, 2025ના રોજ સરદાર પટેલના પરિવારજનો રાષ્ટ્રિય એકતા દિવસની ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા.
સરદાર પટેલના પરિવારજનોએ લીધી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
સરદાર સાહેબના પરિવારજનોએ 1 નવેમ્બર, 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રતિમાને નિહાળીને સરદાર સાહેબના પરિવારજનોએ ગૌરવની લાગણી અનુભવી હતી અને સરદાર સાહેબને આ રીતે અદ્ભુત શ્રદ્ધાંજલિ આપવા બદલ તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબના પૌત્ર શ્રી ગૌતમભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિઝિટર્સ બુકમાં અંગ્રેજી ભાષામાં શુભેચ્છા સંદેશ પણ લખ્યો છે, જેની નીચે તમામ પરિવારજનોએ સહી કરી છે. આ સંદેશ નીચે મુજબ છે:
“સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત ખરેખર પ્રેરણાદાયક રહી છે. આ પ્રતિમા એન્જિનિયરિંગ, ડિઝાઇન અને કન્સ્ટ્રક્શનનું અદ્ભુત પ્રદર્શન છે. હું અને મારો પરિવાર પીએમ મોદીજી અને સરદાર પટેલની આ શ્રદ્ધાંજલિને મૂર્તિમંત કરવામાં સંકળાયેલ પ્રત્યેક વ્યક્તિના ખૂબ ખૂબ આભારી છીએ. અહીં અમે વિવિધ સ્થળોની મુલાકાત લીધી તેમજ સરદાર સાહેબના જીવન અને તેમના જીવનઆદર્શોની અસરોના ઐતિહાસિક મહત્વ વિશે માહિતી મેળવી, જે અમારી યાદોમાં હંમેશાં જીવંત રહેશે.
એકતા નગર ખાતે પ્રવાસન ક્ષેત્રમાં થયેલી પ્રગતિ તેમજ અહીંયા ચાલતી શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓને જોઇને હું ખૂબ પ્રભાવિત થયો છું. ગુજરાત રાજ્ય એક સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ ધરાવે છે, અને આવી એક જગ્યા હોવી જ જોઇએ જ્યાં તમે પ્રકૃતિ સાથે તલ્લીન થવાનો એક અદ્ભુત પ્રવાસન અનુભવ મળે.
અહીંયા જોવા અને જાણવા માટે ઘણુંબધું છે અને ટુંક સમયમાં અમે અહીંયા ફરીથી આવીશું. અમે પીએમ મોદીજી અને અહીંના તમામ લોકોનો તેમની સમર્પણ ભાવના માટે આભાર માનીએ છીએ, જેમણે વિશ્વને દર્શાવ્યું છે કે એક અખંડ ભારત શું કરી શકવા માટે સક્ષમ છે!”
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણીયાએ સરદાર સાહેબના વંશજોનું પ્રતિમાની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું.
સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિએ એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને વધુ યાદગાર અને ઐતિહાસિક બનાવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતા, અખંડતા અને સંકલ્પનું પ્રતીક છે, અને 150મી સરદાર પટેલ જન્મજયંતીની ઉજવણીના પ્રસંગે સરદાર સાહેબનો પરિવાર એકતા નગર ખાતે ઉપસ્થિત રહ્યો એ સ્વયં રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ છે.
