વિશ્વ વિજેતા ભારતીય મહિલા ટીમ ઉપર પૈસાનો વરસાદ
        BCCIએ ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી-આઈસીસીએ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે ૪.૪૮ મિલિયન ડોલરના ઈનામની જાહેરાત કરી
(એજન્સી)મુંબઈ, હરમનપ્રીત કૌરના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ ૨ નવેમ્બરની રાત દરેક ભારતીય માટે યાદગાર બનાવી દીધી. આઈસીસી મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ની ફાઈનલમાં દક્ષિણ આફ્રીકાને હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં ભારતે દ.આફ્રીકાની ટીમને ૫૨ રનથી હરાવી દીધી.
ટીમ ઈન્ડિયાની આ જીત બાદ છપ્પરફાડ પૈસાનો વરસાદ થયો છે. આઈસીસીએ વર્લ્ડ કપ વિનિંગ ટીમ માટે ૪.૪૮ મિલિયન યુએસ ડોલરના ઈનામની જાહેરાત કરી હતી. જે ભારતીય ચલણમાં જોઈએ તો લગભગ ૩૯.૭૮ કરોડ રૂપિયા જેટલું થાય. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ આઈસીસીથી વધુ પ્રાઈઝ મનીની જાહેરાત કરી છે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે ૫૧ કરોડ રૂપિયાના કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. એએનઆઈ સાથે વાત કરતા દેવજીત સૈકિયાએ કહ્યું કે, ૧૯૮૩માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીતાડીને ક્રિકેટમાં એક નવા યુગ અને પ્રોત્સાહનની શરૂઆત કરી હતી.
મહિલાઓએ પણ એ જ ઉત્સાહ અને પ્રોત્સાહન રજૂ કર્યું છે. હરમનપ્રીત કૌર અને તેમની ટીમે આજે માત્ર ટ્રોફી નથી જીતી પરંતુ તમામ ભારતીયોના દિલ પણ જીત્યા છે. તેમણે મહિલા ક્રિકેટરોની આગામી પેઢી માટે માર્ગ મોકળો કર્યો છે. જ્યારે આપણી ટીમે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું ત્યારે જ મહિલા ક્રિકેટ પહેલેથી જ આગામી સ્તર પર પહોંચી ગયું હતું.
તેમણે વધુમાં કહ્યું કે જ્યારથી જય શાહે બીસીસીઆઈનો કાર્યભાળ સંભાળ્યો છે (૨૦૧૯થી ૨૦૨૪ સુધી બીસીસીઆઈના સચિવ તરીકે કાર્યરત) તે દરમિયાન મહિલા ક્રિકેટમાં તેમણે અનેક ફેરફાર કર્યા. પગાર સમાનતા ઉપર પણ ધ્યાન અપાયું.
ગત મહિને આઈસીસીના અધ્યક્ષ જય શાહે મહિલાઓની પુરસ્કાર રકમમાં ૩૦૦ ટકાનો વધારો કર્યો હતો. પહેલા પુરસ્કારની રકમ ૨.૮૮ મિલિયન ડોલર હતી અને હવે તેને વધારીને ૧૪ મિલિયન ડોલર કરી. આ બધા પગલાંથી મહિલા ક્રિકેટને ખુબ પ્રોત્સાહન મળ્યું છે. બીસીસીઆઈએ સમગ્ર ટીમ- ખેલાડીઓ, કોચો માટે ૫૧ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમે ટીમ અને સહયોગી સ્ટાફની સાથે કામ કરી રહ્યા છીએ.
