8600 કરોડના ખર્ચે અમદાવાદની કાયાપલટ કરાશે-કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ મદદરૂપ બનશે
        અમદાવાદ મ્યુનિ. કોર્પાે.ને વર્તમાન નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૪૯૬૫.૭૩ કરોડ અને રાજ્ય સરકાર તરફથી રૂ. ૩૬૦૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાંથી ઓક્ટ્રોય નાબૂદ થયા બાદ મ્યુનિ. કોર્પાે. સરકારની ગ્રાન્ટ ઉપર નિર્ભર રહે છે શહેરમાં વિકાસના કામો કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાન્ટ ઉપયોગી સાબિત થઈ રહી છે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસન સમય દરમ્યાન જેએનએનયુઆરએમની ગ્રાન્ટ મળી હતી.
જેના કારણે બીઆરટીએસ, સ્ટોર્મવોટર લાઈન સહિતના મહત્વના પ્રોજેક્ટના કામ થયા હતા. હાલ અમૃતની ગ્રાન્ટ મળી રહી છે. એવી જ રીતે રાજ્ય સરકાર તરફથી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપવામાં આવે છે.
આ ઉપરાંત ૨૦૨૫-૨૬માં કેન્દ્ર સરકાર તરફથી ૧૫માં નાણાપંચ અને પીએમજય યોજના તથા રાજ્ય સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સડક યોજના વગેરે માટે પણ ગ્રાન્ટ આપવામાં આવશે જેના કારણે ચૂંટણી વર્ષમાં વિકાસ પૂરજોશથી દોડશે. તેમ માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પાે.ને વર્તમાન નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૪૯૬૫.૭૩ કરોડ અને રાજ્ય સરકાર તરફથી રૂ. ૩૬૦૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. આમ કુલ રૂ. ૮૬૦૦ કરોડની ગ્રાન્ટની રકમમાંથી પ્રજાલક્ષી અને અન્ય વિકાસના કામો કરવામાં આવશે. મ્યુનિ. કોર્પાે. દ્વારા રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. તે પૈકી તે પૈકી રૂ. ૨૫૨૮ કરોડના કામ પ્રથમ ક્વાર્ટરમાં બુક થઈ ગયા છે.
જ્યારે બીજા ક્વાર્ટરમાં રૂ. ૩૨૪ કરોડ ત્રીજામાં રૂ. ૩૪૫ કરોડ અને ચોથામાં ૫૩૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. તેવી જ રીતે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી રૂ. ૧૫૭૭.૨૭ કરોડ ખર્ચ થયા છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં ૫૮.૦૫ કરોડ ત્રીજામાં ૧૬૦.૮૪ કરોડ અને ચોથામાં ૧૯૩.૮૬ કરોડ ખર્ચ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.
મ્યુનિ. કોર્પાે. દ્વારા પીએમજય અંતર્ગત રૂ. ૧૦૭ કરોડ પોતાની તિજોરીમાંથી ખર્ચ કરવામાં આવ્યા છે. પરંતુ આ નાણાં ૨૦૨૧-૨૨માંથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટના જમા હતા.
કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટના કારણે વર્તમાન નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન વિકાસના કામોમાં અસામાનય તેજી જોવા મળશે અને તેજ સમયે ચૂંટણી હોવાથી સત્તાધારી પક્ષને પણ તેનો લાભ મળશે તેમ ચર્ચા ચાલી રહી છે.
