ભાવનગરથી મુંબઈ, પૂના, સુરતની હવાઈ સેવા શરૂ કરવા ચેમ્બરની રજૂઆત
પ્રતિકાત્મક
ભાવનગર, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરથી મુંબઈ, પુના, સુરત, દિલ્હીની એક કનેક્ટીવીટી ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી છે. સ્પાઈસ જેટ દ્વારા ભાવનગરથી મુંબઈ અને પુનાની હવાઈ સેવા બંધ થયા પછી આજ દિન સુધી હવાઈ સેવા શરૂ થઈ નથી.
અગાઉ ચેમ્બર દ્વારા તેને સંલગ્ન વેપાર-ઉદ્યોગના એસો. અને અગ્રગણ્ય ઉદ્યોગપતિઓના ડેલીગેશન સાથે દિલ્હી ખાતે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાને સાથે રાખી કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુજીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓએ ભાવનગરની હવાઈ સેવા સત્વરે ચાલુ થાય તે માટે હૈયાધારણા આપી હતી, પરંતુ આજદિન સુધી ચાલુ થઈ નથી,
તેટલું જ નહીં પરંતુ શિયાળુ સમયપત્રકમાં પણ ભાવનગરની હવાઈ સેવાનો ઉલ્લેખ નથી. ભાવનગર ખાતે શીપ બ્રેકીંગ, કેમિકલ, પ્લાસ્ટિક, ડાયમંડ, રોલિંગ મિલ્સ, ફૂડ પ્રોસેસિંગ વગેરે જેવા ઉદ્યોગો છે. ધોલેરા સરથી ભાવનગર સૌથી નજીકનું એરપોર્ટ છે.
ભાવનગર ખાતેથી એર કનેક્ટિવિટી ઉપલબ્ધ ન હોય પ્રવાસી જનતાને અગવડતા પડે છે. ઉડાન યોજના હેઠળ સમાવેશ કરી ભાવનગરથી મુંબઈ, પુના, સુરત અને દિલ્હીની એર કનેક્ટિવિટી સત્વરે ચાલુ કરવા માટે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુજીને,
શ્રમ અને રોજગાર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા તથા ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને અલગ-અલગ પત્રો પાઠવી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રજુઆત કરવામાં આવી છે.
