પવિત્ર તીર્થ નગરી પાલિતાણાને સ્વચ્છ નગરી બનાવવા માંગ
File
નગર પાલિકા પાસે સફાઈ તંત્રની મોટી ફૌજ છતાં કામ થતું નથી
પાલિતાણા, પવિત્ર તીર્થ નગરી પાલિતાણામાં પર્યાવરણ જાળવવા અને શહેરને સ્વચ્છ તથા કચરામુકત બનાવવા તમામ આયોજનો નિષ્ફળ ગયા છે. પાલિતાણા નગરપાલીકા પાસે સફાઈ તંત્રની મોટી ફૌજ છે પરંતુ કામ થતું ન હતું.
આથી પાલિકાએ શહેરમાં ઘરે-ઘરેથી કચરો ઉપાડવાનું આયોજન કર્યું પરંતુ કચરો લેવાવાળી ગાડીઓ અનિયમિત થઈ ગઈ છે અને મન ફાવે ત્યારે અને મન ફાવે સમયે આવે છે. સફાઈ કર્મચારીઓ પણ કાગળના ટુકડા ઉપાડવાના બદલે સળગાવી નાખીને સ્થળ ઉપર જ નિકાલ કરવાનો માર્ગ અપનાવે છે.
પરિણામે કેમિકલ્સ અને હાનિકારક તત્વો વાળો કચરો સળગવાથી ધુમાડો ફેલાતો રહે છે અને પ્રદુષણ ફેલાય છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તાજેતરમાં જાહેરમાં કચરો સળગાવવા પ્રદૂષણ ફેલાવવા અંગે રૂ.રપ,૦૦૦ દંડ કરવાની જોગવાઈ જાહેર કરી છે. સ્વચ્છતા અભિયાન અન્વયે પાલિતાણામાં સ્વચ્છતા અંગેના નાટકો થયા પરંતુ અહીંયા તો હવે સ્વચ્છતા અભિયાનનો ખુલ્લેઆમ ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. પવિત્ર તીર્થ નગરી પાલિતાણાની દશા જ બદલાઈ ગઈ છે. સ્વચ્છતા અભિયાન વિસરાઈ ગયું છે.
ચૂંટાયેલા નગરસેવકો લોકોના કામથી દૂર ભાગતા હોવાની છાપ જનમાનસમાં ઉપસી છે. પવિત્ર તીર્થ નગરી સ્વચ્છ નગરી બને તે માટે યોગ્ય આયોજન કરી સારી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઈ તો લોકો અને યાત્રિકો માટે આશીર્વાદરૂપ બનશે તેમ લોકો જણાવી રહ્યા છે.
