આ કારણસર મરચાનો ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા ?
        કમોસમી વરસાદે ગોંડલના પ્રખ્યાત મરચાના પાકનો સોથ વાળી દીધો -ખેડૂતોની હાલત દયનીયઃ
ગોંડલ, તીખાશમાં ઉત્તમ ગણાતા ગોંડલિયા મરચાએ ખેડૂતોને મોળા પાડી દીધા છે. દેશભરમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાનો પાક કમોસમી વરસાદે ગયો છે. ગોંડલ તાલુકામાં મોટા પ્રમાણમાં મરચાનું વાવેતર થાય છે. અહીં ઉત્પન્ન થતું મળતું દેશને અલગ અલગ રાજ્યમાં જતું હોય છે.
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુપી, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ અને મસાલા કંપનીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે
ત્યારે આ વર્ષે મરચાનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ જતા મરચાનો ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા છે. તાલુકાના ત્રાકુડા, ડૈયા, અનિડા, કોલીથડ, વેજાગામ, હડમતાળા, વેકરી, ચરખડી, પડવલા સહિત અન્ય ગામમાં ગોંડલિયું મરચું સંપૂર્ણપણે બરબાદ થયું છે.
ગોંડલ પંથકમાં મરચાનું ખાસ કરીને સાનિયા મિર્ચી, ઘોલર મરચું, પટો મરચું કાશ્મીરી મરચું સહિતની વિવિધ જાતોની મરચાની વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે. આ વર્ષે માવઠાને કારણે મરચીનો પાક ખેતરમાં જ સડી ગયો છે ત્યારે હવે ખેડૂતો માટે દવા બિયારણ મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડયો છે. ખેડૂતોએ દવા અને ખાતર પાછળ હજારો રૂપિયા ખચર્યા હતા પણ હવે ઉપજની આશા રહી નથી.
