પત્રકાર સાથે જમીનના સોદા કરનાર PI ની પૂછપરછ થશે
        ડીજીટલ ન્યુઝના પત્રકાર દીર્ઘાયુ વ્યાસ સાથે સંકળાયેલા લોકોની પણ પુછપરછ કરી તેમના નિવેદન લેવાની કામગીરી
(એજન્સી)અમદાવાદ, ક્રાઈમ બ્રાંચમાં થયેલી અરજીના નિકાલ માટે જવેલર્સ પાસેથી રૂપિયા ૧૦ લાખ માગવાના કેસમાં જેની તપાસ ચાલી રહી છે. તે પત્રકાર દીઘાર્યુ વ્યાસની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે જ અમદાવાદ જીલ્લામાં ફરજ બજાવી ચુકેલા એક પોલીસ ઈન્સ્પેકટર દીર્ઘાયુ વ્યાસ સાથે શહેરના પોશ વિસ્તાર એવા વૈષ્ણોદેવીમાં જમીનના સોદા પાડીને જમીન ખરીદી હોવાની વિગતો સામે આવી રહી છે.
જેને પગલે ક્રાઈમ બ્રાંચે આ પોલીસ ઈન્સ્પેકટરને પણ નોટીસ આપીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કરવા જણાવ્યું છે. આ ઉપરાંત દીર્ઘાયુ વ્યાસ સાથે સંકાળયેલા લોકોની પણ પુછપરછ કરી તેમના નિવેદન લેવાની કામગીરી પણ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહી છે.
મણીનગરના જવેલર્સ પરેશ સોની પાસેથી ક્રાઈમ બ્રાંચની અરજીના નિકાલ માટે ૧૦ લાખ પડાવનારા દીર્ઘાયુ વ્યાસ વિરૂધ્ધ અન્ય ત્રણેક ફરીયાદ નોધાઈ છે. ક્રાઈમ બ્રાંચે તેના રીમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે. ત્યારે જ ક્રાઈમ બ્રાંચના ધ્યાનમાં આવ્યું છે કે દીઘાર્યુમાં અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવી ચુકેલા એક ઈન્સ્પેકટર સાથે વૈષ્ણોદેવી નજીક જમીનોના સોદો પાડયો હતો.
આટલું જ નહી તેમણે આ જ વિસ્તારમાં સંયુકત રીતે જમીન પણ ખરીદી છે. આ બાબતે ક્રાઈમ બ્રાંચે દ્વારા પોલીસ ઈન્સ્પેકટરને નોટીસ આપીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કરવા આદેશ કર્યો છે. હવે જોવાનું એ રહયું કે જમીનના સોદામાં કેવા ખેલ સામે આવે છે. આ ઉપરાંત દિર્ઘાયુ વ્યાસ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા લોકોની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જયારે તેમના નિવેદન પણ લેવાની કામગીરી ચાલી રહી છે.
