Western Times News

Gujarati News

ગુજરાતના ગામડાઓમાં નકલી ડોકટરોની હોસ્પીટલો ધમધમી રહી છે

AI Image

ગામડાંના લોકો હજુ પણ ઉંટવૈદુ અને નકલી ડોકટરની ચુંગાલમાં ફસાય છે-ડિગ્રી વગરના ડોકટરો મોટાભાગે યુપી બિહારના હોવાનું ખુલ્યું-ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં માત્ર ત્રણ જ વર્ષમાં ર૭ નકલી ડોકટર ઝડપાયા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ નજીકના ગામડાઓમાં રહેતા કેટલાક લોકો હજુ પણ ઉટવૈદુ અને ફરજી ડોકટરની ચુંગાલમાં ફસાય છે. ગ્રામ્ય વિસ્તારમાં જઈને ડોકટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના કિસ્સા વધી ગયા છે. નકલી ડોકટરો લાલ પીળી ગોળીઓ આપીને લોકોની સારવાર કરી રહયા છે.

તાજેતરમાં ચાંગોદરમાંથી નકલી ડોકટરોની હોસ્પીટલમાં સારવાર કરતા એકનુંમોત નીપજયું હતું. જે બાદ પણ ગ્રામ્ય વિસ્તારમાં નકલી ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો હતો તેવું સામે આવ્યું છે. ગ્રામ્ય પોલીસે ત્રણ વર્ષમાં જ ડીગ્રી વગરના ર૭ જેટલા ડોકટરો ઝડપી પાડયા છે. આ ડોકટરો મોટાભાગના ઉત્તરપ્રદેશ કે બિહારના હોવાનું સામે આવ્યું છે.

સામાન્ય રીતે સામાન્ય બિમારી થાય ત્યારે ઘરગથ્થુ ઉપચાર કે ઉટવૈદુ કરવાની દર્દીને રાહત મળી જતી હોય છે. પરંતુ ગામડાના લોકો ડીગ્રી વગરના ડોકટરોએ પાસે જઈને લાલ પીળી ગોળીઓ લઈને પોતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની અનેક ઘટના સામે આવી છે.

તાજેતરમાં આરોગ્ય વિભાગે ચાંગોદરની એક હોસ્પિટલ અને સાણંદનું એક કિલનીક સીલ માર્યું હતું. અહી બિનઅનુભવી ડોકટરોએ દર્દીની દવા કરી હતી અને તેમાં દર્દીનું મોત નીપજયું હતું.

જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરીહતી. આ પ્રકારના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ પણ ગામડાના લોકો પોતાના આરોગ્ય સાથે ચેડા કરી રહયા છે. ગામડાઓમાં ઠેરઠેર એક કોટડી જેટલી દુકાનોમાં કલીનીક ખોલીને બેઠેલા ર૭ જેટલા નકલી ડોકટરોની પોલીસે ધરપકડ કરી છે.

આ તમામ ડોકટરોએ પૈકીના મોટાભાગના ડોકટરો યુપી બિહારના હોવાનું સામે આવ્યું છે. આ ડોકટરો એલોપેથી અને લાલ પીળી દવાઓ આપીને લોકોની સારવાર કરતા હતા.

સુત્રોનું માનીએ તો ગામડામાં રહેતા લોકોમાં જાગૃતિનો અભાવ હોવાથી આવા નકલી ડોકટરો તેનો ફાયદો ઉઠાવીને કમાણી કરવાની સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહયા છે. ત્યારે આવનાર દીવસોમાં હજુય ગામડાના વિસ્તારોમાં તપાસ કરીને આવા ફરજી ડોકટરોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. મેડીકલની દવાઓ આપીને સારવાર કરે છે

સુત્રોનું માનીએ તો આ નકલી ડોકટરો ભાડે દુકાન રાખીને તેને કલીનીકમાં રૂપાંતરીત કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. આ ડોકટરો પાસે કોઈ ડીગ્રી કે સર્ટીફીકેટ ન હોવાથી સામાન્ય બિમારીને ઈલાજ કરે છે. તાવ શરદી ખાંસી કે એલજી જેવી બિમારીઓની દવા મેડીકલ શોપમાંથી જથ્થાબંધ લાવીને દર્દીઓને આપીને સારવાર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.