અમદાવાદમાં પતિએ જાહેરમાં પત્ની પર છરી વડે કર્યો જીવલેણ હુમલો
પ્રતિકાત્મક
મહિલા ગંભીર, ગણતરીના કલાકોમાં આરોપી પકડાયો
(એજન્સી)અમદાવાદ,અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડિયારનગર પાસે આવેલી દૂધ સાગર ડેરી નજીક સોમવારે મોડી રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. પતિએ તેની ૨૭ વર્ષીય પત્ની પર જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરી કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીની ઓળખ મયંક પટેલ તરીકે થઈ છે. મયંકે દૂધ સાગર ડેરી પાસે એક દુકાનની બહાર તેની પત્ની પર હુમલો કર્યો હતો. તેણે પત્નીના ગળા અને હાથ પર છરીના અનેક ઘા માર્યા હતા અને ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘાયલ મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતીએ આશરે દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સાથે રહેતા હતા. જોકે, સાસરિયા પક્ષના કથિત ત્રાસને કારણે મહિલા છેલ્લા ચાર મહિનાથી તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી.
આ સમગ્ર ઘટના મુદ્દે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે (૩ નવેમ્બર ૨૦૨૫) ના રોજ અંદાજિત ૬ વાગ્યાની આસપાસ ચંદ્રિકાબેન કોઈ કામથી બજારમાં ગયા હતા અને કામ પતાવીને પોતાના પિતાના ઘરે જતા હતા.
તે દરમિયાન નિકોલ ખોડિયારનગર, ઉમિયાનગરના નાકે પહોંચતા તેમના પતિ આરોપી મયંક પટેલે ‘તારા લીધે મારા ભાઈ મરી ગયો છે એમ કહી મહિલા સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ચંદ્રીકાબેનનું મોઢું પકડીને જમીન પર પાડી દીધા હતા અને ત્યારબાદ ધારદાર ચાકુ વડે ગળાના ભાગે અને શરીરના ભાગે ઇજા પહોંચાડી હતી. અ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપીને રાઉન્ડ અપ કર્યો છે અને આગળની તજવીજ તપાસ ચાલુ છે.
વધુમાં પોલીસ અધિકારી જણાવ્યું હતું કે બંનના દોઢ-બે વર્ષ અગાઉલગ્ન થયા હતા અને છેલ્લા પાંચ મહિનાથી અલગ રહેતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મયંકના ભાઇએ આત્મહત્યા કરી લીધી હતી અને અને આત્મહત્યા પાછળ ચંદ્રીકાબેન જવાબદાર હોય એવું માનીને આરોપીએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.
પીડિત મહિલાએ અગાઉ પણ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદો નોંધાવી હતી. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
