Western Times News

Gujarati News

9 વિઘાનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે પેટ પર પથ્થર બાંધી કૂવામાં ઝંપલાવ્યું

પ્રતિકાત્મક

(જૂઓ વિડીયો) ગફારભાઈએ સહકારી મંડળીમાંથી રૂ. ૨ લાખનું લેણું લીધેલું હતું. પાક સારો આવશે તો દેવું ચુકવી શકાશે એવી આશા હતી, 

(એજન્સી)ઉના, ઉના તાલુકાના રેવદ ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ગામના ૪૯ વર્ષીય ખેડૂત ગફાર ઉન્નડએ પાક નિષ્ફળ જતાં ડિપ્રેશનમાં આવી પોતાના જીવનનો અંત લાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ,ગફાર ઉન્નડ પાસે કુલ ૯ વિઘા જમીન હતી. જેમાં આ વર્ષે મગફળીનો પાક ઉગાડ્‌યો હતો. પરંતુ અનિયમિત વરસાદ અને જીવાતના પ્રકોપને કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો. પાકની બરબાદીને પગલે ખેડૂત પર આર્થિક સંકટ તોળાયું હતું. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ગફારભાઈએ સહકારી મંડળીમાંથી રૂ. ૨ લાખનું લેણું લીધેલું હતું. પાક સારો આવશે તો દેવું ચુકવી શકાશે એવી આશા હતી, પરંતુ પાક નિષ્ફળ થતાં તેઓ ભારે માનસિક તણાવમાં હતા.

ગફાર ઉન્નડને ત્રણ દીકરી અને એક દીકરો છે. તાજેતરમાં બે દીકરીઓની સગાઈ થઈ હતી અને તેમના લગ્નની તૈયારી ચાલુ હતી. આવનારા ખર્ચના દબાણ અને પાકના નુકસાનને કારણે તેઓ ડિપ્રેશનમાં ધકેલાયા હતા.

ગત મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોને ચિંતા થઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી. બાદમાં સ્થાનિક તરવૈયાઓએ ગામના કૂવામાંથી તેમનો મૃતદેહ બહાર કાઢ્યો.

આ દુઃખદ ઘટનાએ સમગ્ર રેવદ ગામમાં શોકની લાગણી ફેલાઈ છે. ગ્રામજનો અને ખેડૂત સમુદાયએ પાક વિમા અને સહાયની વ્યવસ્થામાં સુધારાની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ટાળવા શક્ય બને.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.