ઈસ્કોન બ્રિજ પાસે દબાણ હટાવવા ગયેલ મ્યુનિ. કર્મચારીઓ ઉપર હુમલો
પ્રતિકાત્મક
પોલીસે ત્રણની ધરપકડ કરી
(પ્રતિનિધી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાે. દ્વારા ફૂટપાથ અને રોડ ઉપર અડ્ડો જમાવીને બેઠેલા લારી-પાથરણાવાળાઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ દબાણ વિભાગ દ્વારા તેમનો માલ-સામાન પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે.
આવી કામગીરી દરમ્યાન મ્યુનિ. દબાણ વિભાગના કર્મચારી ઉપર કેટલાક લારી-ગલ્લાવાળાઓએ હુમલો કર્યાે હતો. જેમાં એક મજૂરને ગંભીર ઈજા પહોંચી છે. મ્યુનિ.કોર્પાે. દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવતા ત્રણ લારી-ગલ્લાવાળાઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના એસજી હાઈવે ઉપર મંગળવારે સાંજે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન દબાણ શાખાની ટીમ ઉપર કેટલાક લોકોએ અચાનક હુમલો કર્યાે હતો. જેમાં છુટા હાથની મારામારી કરી હતી ત્યારે કેટલાક લોકોએ લાકડાની પટ્ટીઓ વડે પણ કર્મચારીઓ ઉપર પણ હુમલો કર્યાે હતો. જેના કારણે નાસભાગ મચી જવા પામી હતી. લારી
-ગલ્લાવાળાઓના હુમલા દરમ્યાન એક મજૂરને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે બે મજૂરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સ્થળ ઉપર હાજર કોર્પાે.ના કર્મચારીઓએ ૧૦૮ બોલાવી ઈજાગ્રસ્ત કર્મીઓને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે સેટેલાઈટ પોલીસસ્ટેશન ખાતે ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસ વિભાગ દ્વારા પ્રેમસિંગ યાદવ, જયસિંહ યાદવ, અને ચરણસિંહ યાદવની ધરપકડ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોકો ઈસ્કોન બ્રીજ પાસે રોડ ઉપર દબાણ કરી વેપાર કરતા હતાં જેના કારણે કોર્પાેરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
