ભત્રીજીને સળગાવી દેનારી મહિલાને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા યથાવત રાખી
(એજન્સી)અમદાવાદ, ભત્રીજીને સળગાવી દેનારી ગુજરાતની એક મહિલાને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા યથાવત્ રાખી છે. વર્ષ ૨૦૦૪ માં ઘરેલુ વિવાદના કારણે મહિલાએ તેની ભત્રીજીને જીવતી સળગાવી દેવા બદલ દોષિત ઠેરવવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત્ રાખી હતી.
કોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટે નાની-નાની વિસંગતતાઓની સામે આધારભૂત અને વિશ્વસનીય પુરાવાઓને નકારી કાઢવાની ભૂલ કરી હતી.આ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે વર્ષ ૨૦૧૬ ના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે જેમાબેનની અપીલ ફગાવી દીધી હતી. જેમાં તેણીને નિર્દાેષ જાહેર કરવામાં આવી હતી
અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ તેને હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી.સમગ્ર પ્રકરણમાં ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ આ ઘટના વર્ષ ૨૦૦૪ની ૨૯-૩૦ નવેમ્બરની રાત્રે બનાસકાંઠા જિલ્લામાં બની હતી. જ્યારે પીડિતા લીલાબેન તેના ચાર વર્ષના પુત્ર સાથે સૂઈ રહી હતી. તેની કાકી જેમાબેને તેના પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી.
લીલાબેન ૧૦૦% બળી ગયા હતા અને પાંચ દિવસ પછી તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પુત્ર ૧૦-૧૨% બળી ગયા હતા. ફરિયાદ પક્ષે એવા આક્ષેપ પણ કર્યા હતા કે જેમાબેને જે કૃત્ય કર્યું એની પાછળનું કારણ એવું હતું કે તેઓ લીલાબેન પર સતત દબાણ કરતાં હતા કે તે મનિયા ડાભાવાલા નામની વ્યક્તિ સાથે જતી રહે. જોકે મૃતકે તેનો ઇનકાર કરતાં આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ટ્રાયલ કોર્ટે ૨૦૦૫ માં બંને આરોપીઓને નિર્દાેષ જાહેર કર્યા હતા. જેમાં મૃતક દ્વારા આપવામાં આવેલા ત્રણ મૃત્યુ નિવેદનોમાં વિરોધાભાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, હાઇકોર્ટે પાછળથી પાલનપુર સિવિલ હોસ્પિટલના ડૉક્ટરને લીલાબેને આપેલા પહેલા નિવેદન પર આધાર રાખીને જેમાબેનને દોષિત ઠેરવ્યા હતા. જેમાં તેણે તેના કાકી અને સસરાનું નામ હુમલાખોર તરીકે આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ મૃત્યુ નિવેદન સ્પષ્ટ, સ્વૈચ્છિક છે તથા તે શારીરિક અને તબીબી પુરાવાને પુષ્ટિ આપનારું છે. પીડિતાની સારવાર કરનારા ડૉ. શિવરામભાઈ નાગરભાઈ પટેલે જુબાની આપી હતી કે લીલાબેન સભાન હતા અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમના કાકી અને સસરાએ કેરોસીન છાંટીને તેને આગ લગાવી દીધી હતી.
