નવીનતમ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન રેન્કિંગ્સ અંતર્ગત ‘ફાસ્ટ મૂવિંગ’ શ્રેણીમાં ગુજરાત અગ્રેસર
ગાંધીનગર સ્પીપા ખાતે ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું ત્રીજું સત્ર યોજાયું
ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ શાસન અને સુધારામાં પણ સમગ્ર દેશમાં અગ્રેસર: નીતિ આયોગના સભ્ય શ્રી રાજીવ ગૌબા
Gandhinagar, સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ અંતર્ગત સ્પીપા દ્વારા ધી સેક્રેટરીએટના સહયોગથી સ્પીપાના ગાંધીનગર કેમ્પસ ખાતે તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના ત્રીજા સત્રનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા’ વિષય પર આયોજીત આ સત્રમાં વિકસિત ભારત@૨૦૪૭ અંતર્ગત અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય વક્તા, નીતિ આયોગના સભ્ય અને ભારત સરકારના પૂર્વ કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટ જેવા અનેક મહત્વપૂર્ણ ફેરફાર થકી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.
જેને આગળ ધપાવી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક પરિવર્તનશીલ સુધારાઓ કર્યા છે. જેમાં GSTની રચના,માળખાગત સુવિધાઓનું વિસ્તરણ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહત્વાકાંક્ષી વિઝનનો સમાવેશ થાય છે.

નીતિ આયોગના સભ્ય શ્રી રાજીવ ગૌબાએ કહ્યું હતું કે, વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત પણ મહત્વનો ફાળો આપી રહ્યું છે. ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ શાસન અને સુધારામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે.
કેન્દ્ર સરકારની પ્રેરણાથી લાંબા ગાળાની વ્યૂહાત્મક વિચારસરણી માટે નીતિ આયોગની જેમ જ સંસ્થાઓ સ્થાપવામાં વિવિધ રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમાં ગુજરાતે પ્રથમ સ્થાને રહીને ગુજરાત રાજ્ય ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન(GRIT)ની સ્થાપના કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત હંમેશાથી સૌથી પ્રગતિશીલ અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ રાજ્ય રહ્યું છે. ભારત સરકારના નવીનતમ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન રેન્કિંગ્સમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું, જે ‘ફાસ્ટ મૂવિંગ‘ ની શ્રેણીમાં સ્થાન પામ્યું હતું.
વધુ વિગતો આપતા શ્રી રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, CAG રિપોર્ટ-૨૦૨૩ અનુસાર ગુજરાતમાં ૧૦૧ જાહેર ક્ષેત્રના ઉપક્રમો(PSU) આવેલા છે. ગુજરાત વિદેશી સીધા રોકાણ(FDI) આકર્ષવામાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજા ક્રમે છે.
આ ઉપરાંત ગુજરાત દેશના પ્રથમ વાણિજ્યિક સેમિકન્ડક્ટર અને પ્રથમ ખાનગી ક્ષેત્રની એરક્રાફ્ટ ઉત્પાદન પહેલનું યજમાન પણ રહ્યું છે. આમ, ગુજરાત વ્યવસાય સુધારણાની કાર્યવાહીમાં અન્ય રાજ્યો કરતાં સતત વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે.
નીતિઓ અને રોકાણ વિશે શ્રી ગૌબાએ કહ્યું હતું કે, ગુજરાતે તાજેતરમાં તેની ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર(GCC) નીતિ શરૂ કરી છે. જેનો હેતુ ૨૫૦ નવા GCCs ને આકર્ષવાનો, રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ એકત્ર કરવાનો, મૂડી સબસિડી તથા અન્ય પ્રોત્સાહનો આપીને મોટી સંખ્યામાં કુશળ નોકરીઓનું સર્જન કરવાનો છે. ગુજરાત ભારતના તમામ રાજ્યોમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે, જે તેને પોર્ટ-લેન્ડના વિકાસ માટે અને વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આમ, ગુજરાત દેશના શ્રેષ્ઠ રાજ્યોમાંનું એક રહ્યું છે, જે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે.
આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, આયોજન સચિવ શ્રીમતી આર્દ્રા અગ્રવાલ, નીતિ આયોગના OSD શ્રી મિહિર વાડેકર, પૂર્વ મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘ સહિત સામાન્ય વહીવટ વિભાગ તથા સ્પીપાના અધિકારીશ્રીઓ – કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા‘નું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનું આ ત્રીજું સત્ર છે.
પરિચય: શ્રી રાજીવ ગૌબા, IAS (નિવૃત્ત) – સભ્ય, નીતિ આયોગ
નીતિ આયોગના સભ્ય શ્રી રાજીવ ગૌબા વર્ષ ૧૯૮૨ બેચના ઝારખંડ કેડરના IAS હતા. તેમણે ઓગસ્ટ ૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ સચિવ તરીકે સેવાઓ આપી હતી. સૌથી લાંબા સમય સુધી કાર્યરત રહેલા કેબિનેટ સચિવ તરીકે, તેમણે સૌથી ઉચ્ચ સ્તરે વ્યૂહાત્મક નેતૃત્વ પૂરું પાડ્યું હતું. દેશમાં COVID-19 મહામારી માટેની તૈયારીમાં તેમજ Ease of Doing Business જેવી વિવિધ મહત્વની પહેલોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કેબિનેટ સચિવ બનતા પહેલાં શ્રી ગૌબાએ ગૃહ સચિવ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. વર્ષ ૨૦૦૧થી ૨૦૦૫ દરમિયાન તેમણે વોશિંગ્ટન સ્થિત આંતરરાષ્ટ્રીય નાણાં ફંડ (IMF)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના વરિષ્ઠ સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. આ સમયગાળો ભારત-IMF સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
