નિર્દોષ ભારતીય કોઈ ગુના વિના ૪૩ વર્ષ અમેરિકાની જેલમાં રહ્યો
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાની અદાલતોએ ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદામના દેશનિકાલની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. વેદામને હત્યાના ખોટા આરોપમાં ૪૩ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. જોકે, ૬૪ વર્ષીય વેદામની હત્યાની સજા આ જ વર્ષે કોર્ટે રદ કરી હતી. વેદામ કાયદેસર રીતે ૯ મહિનાની ઉંમરે પોતાના માતા-પિતા સાથે અમેરિકા આવ્યા હતા. તેમના પિતા પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક હતા.
ગુરૂવારે અમેરિકાના ઇમિગ્રેશન જજે આદેશ આપ્યો કે જ્યાં સુધી બોર્ડ ઓફ ઇમિગ્રેશન અપીલ્સ તેમનો કેસ ન જુએ, ત્યાં સુધી વેદામને નિર્વાસિત કરી શકાશે નહીં. આ ઉપરાંત, તેમના વકીલોએ પેન્સિલ્વેનિયાની જિલ્લા અદાલતમાંથી પણ રાહત મેળવી છે. પરિણામે, આ મામલો હાલ પૂરતો સ્થગિત થઈ ગયો છે.
વર્ષ ૧૯૮૦માં વેદામની તેમના મિત્ર થોમસ કિન્સરની હત્યાના આરોપમાં ધરપકડ થઈ હતી. સાક્ષીઓ અને પુરાવાના અભાવ હોવા છતાં, તેમને બે વાર દોષી ઠેરવવામાં આવ્યા હતા. જોકે, ઓગસ્ટ ૨૦૨૪માં અદાલતે નવા બેલિસ્ટિક તપાસ રિપોર્ટના આધારે તેમની સજા રદ કરી. ૩ ઓક્ટોબરે જેલમાંથી મુક્ત થતા જ, ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને સીધા જ અટકાયતમાં લીધા. હાલમાં, વેદામને લુઇસિયાનાના એલેક્ઝેન્ડિÙયા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે, જે નિર્વાસન માટે ઉપયોગમાં લેવાય છે.
યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સી વેદામને તેમના એક જૂના કેસના આધારે દેશમાંથી બહાર કાઢવા માંગે છે. લગભગ ૨૦ વર્ષની ઉંમરે, તેમણે એલએસડી ડ્રગ કેસમાં ‘નો કોન્ટેસ્ટ’ પ્લી આપી હતી. વેદામના વકીલોના મતે, તેમણે ૪૩ વર્ષ જેલમાં નિર્દોષ રહીને ગાળ્યા, શિક્ષણ મેળવ્યું અને કેદીઓને ભણાવ્યા.
આથી, તેમનો જૂનો મામલો હવે મહત્ત્વહીન બની જાય છે. જોકે, અમેરિકી ગૃહ સુરક્ષા વિભાગ દલીલ કરે છે કે હત્યાનો કેસ રદ થવાથી ડ્રગ કેસની સજા સમાપ્ત થતી નથી.વેદામની બહેન સરસ્વતી વેદામએ કહ્યું, ‘અમે આભારી છીએ કે બે અલગ-અલગ અદાલતોએ માન્યું કે સુબુનો દેશનિકાલ અયોગ્ય છે. જે ગુનો તેમણે કર્યો જ નથી, તેના માટે તેઓ પહેલાથી જ ૪૩ વર્ષની સજા ભોગવી ચૂક્્યા છે. હવે તેમને ફરીથી અન્યાયનો ભોગ બનવું ન જોઈએ.’
