માતા બાળકને મળવાના પિતાના કાયદેસર હક ઉપર તરાપ મારી શકે નહીં : હાઇકોર્ટ
પિતાએ ફેમિલી કોર્ટના આદેશની સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી
કોર્ટના આદેશ છતાં પિતા અને બાળકનું મિલન અટકાવનારી માતાને હાઇકોર્ટે ૧૦ હજાર દંડ ફટકાર્યાે
અમદાવાદ, બાળકની કસ્ટડી અને છૂટાછેડાના એક કેસમાં હાઇકોર્ટે એક માતાને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે અને એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે,‘કોઇ પણ માતા બાળકને મળવાના તેના પિતાના કાયદેસરના અધિકાર ઉપર તરાપ મારી શકે નહીં. આ કેસમાં માતાએ કોર્ટના આદેશને અવગણીને સતત એવા પ્રયત્નો કરતી હોવાનું સામે આવ્યું છે કે બાળક તેના પિતાને મળી શકે નહીં. અરજદાર માતાના આવા વર્તનની કોર્ટ માત્ર નિંદા જ કરતું નથી, પરંતુ અરજીને રદ કરવાની સાથે દંડ કરવાનું પણ ઉચિત માને છે.
કોઈપણ અરજદારને કોર્ટના આદેશોનો ભંગ કરવાની પરવાનગી આપી શકાય નહીં.’પ્રસ્તુત કેસમાં બારડોલી ફેમિલી કોર્ટના આદેશની સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં પિતા તરફથી હાઇકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે પિતાએ બાળકની કસ્ટડી માટે કેસ કર્યાે હતો. એપ્રિલ ૨૦૨૧માં તેની પત્ની પતિનું ઘર છોડીને જતી રહી હતી અને ત્યારથી તેઓ જુદા રહે છે. બીજી તરફ પત્નીએ પણ છૂટાછેડા અને ભરણપોષણની અરજી કરી હતી. આ અરજીઓ પેન્ડિંગ હતી એ દરમિયાન ફેમિલી કોર્ટે એક વચગાળાનો આદેશ કરી પિતાને દર રવિવારે અને દિવાળી તથા ઉનાળુ વેકેશનમાં બાળકને એક ચોક્કસ સમય દરમિયાન મળવા દેવાનો હુકમ કર્યાે હતો.
તેમ છતાંય પત્નીએ બાળકને પિતાથી દૂર રાખવાનો અને નહીં મળવા દેવાના પ્રયત્નો કર્યા હતા. તેથી તે બાળકને મળી શકતો નહોતો. પત્નીનું આ કૃત્ય કોર્ટના આદેશની પણ અવમાનના સમાન છે.’હાઇકોર્ટે આ રજૂઆતો અને કેસના તથ્યો તથા બંને તરફથી દલીલોને ધ્યાને લેતાં પત્નીના વર્તનની ઝાટકણી કાઢી તેને વખોડી કાઢી હતી. હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,‘કાર્યવાહી દરમિયાન બાળકને મળવું એ પિતાનો અધિકાર છે અને માતાપિતાને બાળકને મળવાના તેમના કાયદેસરના અધિકારથી વંચિત રાખી શકાય નહીં.
કમનસીબે, આ કાર્યવાહી ઘણા વર્ષાે સુધી લંબાશે, અને તે સમય સુધીમાં બાળક પણ મોટું થઈ જશે. એવું બની શકે છે કે ભવિષ્યમાં બાળક તેના પિતાને ઓળખી શકશે નહીં. અરજદાર(માતા)નો હેતુ કોર્ટના આદેશ વાંચીને રેકોર્ડ પર બહાર આવી રહ્યો છે તે એ છે કે કોઇને કોઇ રીતે તે ઇચ્છતી નથી કે બાળક તેના પિતાને મળે. અરજદારનું આવું વર્તન આ કોર્ટ દ્વારા માત્ર નિંદા કરતું નથી પરંતુ હાલની અરજીને રદ કરી દંડાત્મક કાર્યવાહી કરવાને લાયક છે. કોઈપણ અરજદારને કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશોનો ભંગ કરવાની પરવાનગી નથી.
આવા અરજદારોને ભારે દંડ લાદીને સંદેશ આપવો જોઈએ કે જો કોઈપણ અરજદાર દ્વારા કોર્ટના આદેશનો ભંગ કરવાનો અથવા ખોટા નિવેદનો આપીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવે તો કોર્ટ ચલાવી લેશે નહીં.’કોર્ટે વધુમાં એમ પણ નોંધ્યું છે કે હાલના કિસ્સામાં અરજદાર-પત્નીએ બાળક કોર્ટમાં વાતચીત માટે ન મળે તે માટે તમામ પ્રયાસો કર્યા છે.
જોકે, બાળકને મળ્યા પછી ફેમિલી કોર્ટને લાગ્યું છે કે બાળકને પિતા પ્રત્યે પ્રેમ અને સ્નેહ છે. જે પિતાને તેના બાળકને મળવાની પરવાનગી આપવા માટે પૂરતું છે. કોઈપણ માતા બાળક સાથે મળવાના પિતાના કાયદેસર અને નૈતિક અધિકાર ઉપર તરાપ મારી શકે નહીં. આ હકીકતોને ધ્યાનમાં લેતા આ અરજી શ્૧૦ હજારના દંડ સાથે રદ કરવામાં આવે છે. અરજદારે આ હુકમ મળ્યાના ૧૫ દિવસની અંદર આ રકમ બારડોલી ફેમિલી કોર્ટ સમક્ષ જમા કરાવવાની રહેશે.’ss1
