નિકોલમાં ફોર્ચ્યુનર ગાડીમાં બેસી ક્રિકેટ સટ્ટો રમાડતા બે પકડાયા
સટ્ટાના આઈડીમાં ૧૨ કરોડ અને ૫ કરોડની ક્રેડિટ હતી
બંને આરોપીઓની કાર સાથે ધરપકડ કરીને પોલીસે કુલ રૂપિયા ૩૧.૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યાે છે
અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નિકોલમાંથી ફોર્ચ્યુનર ગાડીમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમાડતા બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ અન્ય વ્યક્તિ પાસેથી કરોડોની ક્રેડિટના બે અલગ અલગ આઈડી લીધા હતા. આ આઈડીમાં અન્ય લોકોને એડ કરીને ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા. બંને આરોપીઓની કાર સાથે ધરપકડ કરીને પોલીસે કુલ રૂ. ૩૧.૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યાે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નિકોલ ગામમાં આવેલી સંકલ્પ સ્કૂલ પાસેના ખુલ્લા મેદાનમાં રેડ કરી હતી.
અહીં પાર્ક કરેલી એક ફોર્ચ્યુનર ગાડીમાંથી બે લોકોને બહાર કાઢીને તપાસ કરાઇ હતી. નીતિન ચોડવડીયા અને અરુણ ચૌહાણ પાસેથી મળી આવેલા ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. બંનેના ફોનની તપાસ કરતા ક્રિકેટ સટ્ટાની વેબસાઇટમાં લોગિન થયેલું મળી આવ્યું હતું. આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ મિસ્ટર બજાજ નામના વ્યક્તિ પાસેથી આઈડી લીધા હતા.
આ આઈડીમાં ૧૨ કરોડ અને ૫ કરોડની ક્રેડિટ પણ હતી. આરોપીઓ હારજીતના ૯૦ ટકા પોતાની પાસે રાખતા હતા જ્યારે ૧૦ ટકા મિસ્ટર બજાજને આપતા હતા. પોલીસ આરોપીઓની ધરપકડ કરીને ફોર્ચ્યુનર કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૩૧.૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને મિસ્ટર બજાજ નામના આરોપીની શોધખોળ હાથ ધરી છે.
