બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા
ચોરીનો ગુનો કબુલ કરાવવા ૮-૯ દિવસ ગોંધી રાખ્યો હતો
સારવારનો ખર્ચ વધી જતાં ખોટા આક્ષેપ સાથેની ફરિયાદ કર્યાની દલીલ કોર્ટે માન્ય ન રાખી
ભાવનગર, બોટાદમાં એક સગીરને ચોરીનો ગુનો કબુલ કરાવવા ચારથી પાંચ પોલીસ કર્મચારીઓએ ગેરકાયદે રીતે ગોંધી રાખી ઢોર માર માર્યાની ચકચારી ઘટનામાં ઝડપાયેલા પોલીસ કર્મચારીની જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે.બોટાદ પોલીસમાં ફરજ બજાવતો પ્રહલાદસિંહ રામદેવસિંહ સરવૈયા (રહે, પોલીસ હેડક્વાર્ટર, પોલીસ લાઈન, બ્લોક નં.બી-૧, રૂમ નં.૫૦૨, બોટાદ, મુળ લીંબાળા, તા.ગઢડા) અને અન્ય પોલીસ કર્મચારીઓએ ગત તા.૧૯-૮ના રોજ રાત્રિના સમયે એક સગીરને મિલેટ્રી રોડ પર, આરટીઓ પાસેથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યાના આક્ષેક સાથે પકડી લાવી બોટાદ પોલીસ મથકના ડી-સ્ટાફની ઓફિસમાં ઢોર માર મારી ચોરીનો ગુનો કબુલવા દબાણ કર્યું હતું.
કાયદા મુજબ આરોપીને ૨૪ કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવાની જોગવાઈ હોવા છતાં પણ ખૂદ પોલીસે જ કાયદો હાથમાં લઈ તરૂણને આઠ-નવ દિવસ સુધી ગેરકાયદે ગોંધી રાખી માર મારતા તેને સારવાર માટે પ્રથમ બોટાદ બાદ અમદાવાદ લઈ જવો પડયો હતો. આ ચકચારી ઘટના અંગે સગીરે નોંધાવેલી ફરિયાદના આધારે બીએનએસની કલમ ૧૨૦ (૧), ૧૨૭ (૮), ૫૪, ૧૧૫ (ર), ૧૨૭ (૪) અને કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમ-૭૫ હેઠળ ગુનો નોંધી પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાઈ હતી.
જે પૈકીનો પ્રહલાદસિંહ સરવૈયાએ તેમના વકીલ મારફત બોટાદના ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનવણી હાથ ધરાતા અરજદાર/આરોપી પક્ષે એવી દલીલ કરાઈ હતી કે, ફરિયાદીને ઝેરી જીવડું કરડી જતાં વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાનું થયું હતું. જેનો ખર્ચ વધી જતાં હાલના આરોપી ઉપર ખોટા આક્ષેપવાળી ફરિયાદ કરાઈ છે. આ દલીલને કોર્ટે માન્ય ન રાખી પોલીસ કર્મી. પ્રહલાદસિંહના જામીન નામંજૂર કર્યા હતા. વધુમાં બનાવ સમયે આરોપી સોનાવાલ હોસ્પિટલમાં ગાર્ડ તરીકે નાઈટ ડયૂટીમાં હોવાની પણ રજૂઆત થઈ હતી.ss1
