કોણ છે ભારતીય મૂળના મમદાની, જે ટ્રમ્પના વિરોધ અને ટીકાઓ છતાં ન્યૂયોર્કના મેયર બન્યાં
ટ્રમ્પે મમદાનીને વારંવાર “કોમ્યુનિસ્ટ” અને “કટ્ટર સમાજવાદી” ગણાવ્યા હતા, જ્યારે મમદાની પોતાને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ તરીકે ઓળખાવે છે.
(એજન્સી)ન્યૂયોર્ક, અમેરિકાના ન્યૂયોર્ક શહેરની મેયરપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ભારતીય મૂળના જોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત મેળવી છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વિરોધ અને ટીકાઓ છતાં મમદાનીએ પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એર્ન્ડ્યુ કુઓમો તથા રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લીવાને હરાવીને અમેરિકાના સૌથી મોટા શહેરનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લીધું છે. આ સાથે મમદાની ન્યુયોર્કના પ્રથમ ભારતીય અમેરિકન મુસ્લિમ મેયર બની ગયા છે. આ ચૂંટણીને ડોનાલ્ડ ટ્રમ્પ પછીના યુગની પ્રથમ મોટી રાજકીય પરીક્ષા માનવામાં આવી રહી હતી.
- પાર્ટી અને હોદ્દો: તેઓ ડેમોક્રેટિક પાર્ટી અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ્સ ઑફ અમેરિકાના સભ્ય છે અને ન્યૂ યોર્ક શહેરના મેયર-ઇલેક્ટ છે.
- ઐતિહાસિક વિજય: ન્યૂ યોર્ક શહેરના મેયર તરીકે ચૂંટાયેલા તેઓ પ્રથમ મુસ્લિમ, પ્રથમ ભારતીય મૂળના, પ્રથમ દક્ષિણ એશિયન અને એક સદી કરતાં વધુ સમયમાં સૌથી યુવાન (૩૪ વર્ષની ઉંમરે) વ્યક્તિ છે. તેઓ આફ્રિકામાં જન્મેલા પ્રથમ મેયર પણ છે.
- જન્મ અને ઉછેર: તેમનો જન્મ યુગાન્ડાના કમ્પાલામાં થયો હતો. તેમના માતા-પિતા ભારતીય મૂળના છે:
- માતા: જાણીતા ફિલ્મ નિર્માતા મીરા નાયર (દિલ્હીના હિન્દુ).
- પિતા: વિદ્વાન મહમૂદ મમદાની (યુગાન્ડામાં ઉછરેલા ગુજરાતી મુસ્લિમ).
- નાગરિકતા: તેમનો પરિવાર સાત વર્ષની ઉંમરે ન્યૂ યોર્ક સિટીમાં સ્થળાંતર કરી ગયો હતો અને તેઓ ૨૦૧૮માં યુએસ નાગરિક બન્યા.
- અગાઉનો હોદ્દો: તેઓ ૨૦૨૧ થી ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ૩૬મા જિલ્લા (ક્વીન્સના એસ્ટોરિયા) ના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.
- પ્રચારનો મુખ્ય વિષય: તેમના પ્રચારનું મુખ્ય સૂત્ર ન્યૂ યોર્કને “ફરીથી વધારે સસ્તું (affordable)” બનાવવાનું હતું, જેમાં મફત બસ સેવા, સાર્વત્રિક બાળ સંભાળ અને ભાડાં સ્થિર (rent freeze) કરવાના વચનોનો સમાવેશ થાય છે.
ન્યૂયોર્કના ચૂંટણી બોર્ડના જણાવ્યા અનુસાર, આ વખતે ૨૦ લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું, જે ૧૯૬૯ પછીની મેયરપદની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન છે. આ રેકોર્ડબ્રેક મતદાનને કારણે એર્ન્ડ્યુ કુઓમોનો ખેમો ચિંતિત હતો.
૩૪ વર્ષીય જોહરાન મમદાનીએ આર્થિક અસમાનતાને દૂર કરવા માટે ક્રાંતિકારી ફેરફારોની હિમાયત કરી છે. તેમના પ્રેરણાદાયક દ્રષ્ટિકોણ અને નીડર એજન્ડાએ ન્યૂયોર્કના હજારો યુવા સમર્થકોને તેમની તરફેણમાં કર્યા છે.
મમદાનીના અચાનક ઉભારે શહેરના ધનિક વર્ગને ચોંકાવી દીધો છે. મમદાનીને તેમની ચૂંટણી ઝુંબેશમાં અમેરિકાના પ્રગતિશીલ રાજકારણના મોટા ચહેરાઓ જેવા કે સેનેટર બર્ની સેન્ડર્સ અને પ્રતિનિધિ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝનું પણ સમર્થન મળ્યું હતું. આ જીત સાથે, જોહરાન મમદાની ન્યૂયોર્કમાં ડેમોક્રેટ્સના નવા અને ઉભરતા સ્ટાર તરીકે સ્થાપિત થયા છે, જે અમેરિકન રાજકારણમાં સંભવિત મોટા ફેરફારોના સંકેત આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે મમદાનીને વારંવાર “કોમ્યુનિસ્ટ” અને “કટ્ટર સમાજવાદી” ગણાવ્યા હતા, જ્યારે મમદાની પોતાને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ તરીકે ઓળખાવે છે. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો મમદાની જીતશે તો તેઓ અમેરિકન પ્રમુખ તરીકે ન્યૂયોર્ક શહેરને મળતું ફેડરલ ફંડિંગ (કેન્દ્રીય ભંડોળ) ઘટાડી નાખશે, કારણ કે તેમના મતે મમદાની શહેરને વિનાશ તરફ લઈ જશે.
