રાજપારડી-નેત્રંગ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા આઠથી વધુ ગામના ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન
file photo
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ચાલુ સાલે ચોમાસા દરમ્યાન રાજ્યમાં થયેલ વ્યાપક મેઘવર્ષાને લઈને ઠેરઠેર શહેરી ઉપરાંત ગ્રામિણ રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થયું છે.ત્યાર બાદ વરસાદે વિરામ લેતા માર્ગો પર દોડતા વાહનોના કારણે ધુળ ઉડવાની સમસ્યા સર્જાવા પામી છે.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામથી નેત્રંગને જોડતો ૨૩ કી.મીનો માર્ગ પણ અસંખ્ય ખાડાઓ પડતા બિસ્મારતાની હદ વટાવી ગયો છે.ઉપરાંત માર્ગ પણ ધુળીયો બનતા ઉડતી ધુળના કારણે લોકોના સ્વાસ્થયને નુકસાન થવાની પુરી સંભાવના રહેલી છે.
રાજપારડી નજીક નેત્રંગ તરફના માર્ગ પર ક્વોરી ઉદ્યોગ આવેલ હોઇ આ માર્ગ પરથી ભારદારી વાહનો મોટી સંખ્યામાં પસાર થાયછે જેના કારણે માર્ગ બિસ્માર બનતો હોવાનું સ્થાનિકો જણાવી વળી આ માર્ગ પરના ગામોની માર્ગ નજીક શાળા આવેલી હોઈ શાળાના છાત્રોને પણ ઉડતી ધૂળથી એલર્જી સહિત સ્વાસ્થ બગડવાની સંભાવનાઓ રહેલી છે.
ત્યારે ખરાબ રસ્તાથી કંટાળેલા નવા માલજીપુરા હિગોરીયા સહીત આઠથી વધુ ગામના લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગ્રામજનોએ આવતા જતા વાહનોને અટકાવીને રસ્તો રોકી રાખતા વાહનોની એક કી.મી લાંબી કતારો જોવા મળી હતી.
ખરાબ રસ્તાથી ત્રસ્ત ગ્રામજનોએ વાહનો રોકી રાખતા ચક્કા જામ સર્જાયો હતો. બિસ્માર બનેલા રાજપારડી નેત્રંગને જોડતા માર્ગને દુરસ્ત કરવા તંત્રને વારંવાર રજૂઆતો અને માંગણીઓ કરવા છતાં સમસ્યાનો હલ નહી આવતા ગ્રામજનો વિફર્યા હતા.
મંગળવારે સવારના સમય દરમ્યાન રાજપારડી – નેત્રંગ માર્ગ પર આવેલ નવા માલજીપુરા, હિંગોરીયા સહીતના ગામના સ્થાનિકોએ નવામાલજીપુરા કેનાલ પાસે વિરોધ પ્રદર્શિત કરવા રોડ પર ઉતરી આવ્યા હતા અને નેત્રંગથી રાજપારડી અને રાજપારડીથી નેત્રંગ તરફ જતા વાહનો ગ્રામજનોએ અટકાવી દીધા હતા.? અગ્રણીઓ સહિતના ગ્રામજનોએ ખરાબ અને ધુળિયા માર્ગને લઈને વાહનો અટકાવી દેતા બન્ને તરફ એક કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઇનો જોવા મળી હતી.
કલાકો સુધી લોકોએ વાહનો અટકાવી દેતા રાજપારડી પોલીસે મહામહેનતે ગ્રામજનોને સમજાવતા જણાવ્યું હતું નજીકના દિવસોમાં તાકીદે આ માર્ગનું સમારકામ હાથ ધરાશે તેમ બાંહેધરી આપતા હાલ પુરતો મામલો થાળે પડ્યો હતો.ત્યાર બાદ લોકોએ વાહનો જવા દેતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
