Western Times News

Gujarati News

વાગરા નજીક જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસને અકસ્માત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલ્ટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.કાબૂ છૂટી જતાં બસ રોડની સાઈડમાં ઊતરી ગઈ હતી અને બે થી ત્રણ વાર પલ્ટી મારી હતી.

લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલટી જતાં ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસાચીસ મચી ગઈ હતી.અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.વળી નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા.પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતને કારણે મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે,જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનીના એહવાલ સામે આવ્યા નથી.પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.